Site icon Revoi.in

સૌથી વધુ ઉંચાઈ પર છે આ જ્યોતિર્લિંગ, જાણો તેના વિશેની અદભૂત જાણકારી

Social Share

ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, હજારોની સંખ્યામાં રોજ લોકો તેના દર્શન માટે આવે છે અને લોકોને આ તમામ જ્યોતિર્લિંગ સાથે શ્રધ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. આવામાં જો વાત કરવામાં આવે સૌથી વધુ ઉંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગની તો તે છે કેદારનાથ.

એવું કહેવાય છે કે સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. અને સૌથી મહત્વની વાત એ કે ભગવાન શિવ અહીં શિવલિંગ સ્વરૂપે નહીં, પરંતુ, એક શિલા સ્વરૂપે બિરાજમાન થયા છે.

શિવપુરાણની કોટિરુદ્રસંહિતામાં ઉલ્લેખ છે તે અનુસાર આ સ્થાન શ્રીવિષ્ણુના અવતાર નર અને નારયણની તપોભૂમિ રહ્યું છે. નર-નારાયણે ગંધ-માદનના નામે પ્રસિદ્ધ આ ક્ષેત્રમાં વર્ષો પર્યંત પાર્થિવ શિવલિંગની પૂજા કરી. તેમની આ પૂજા અને તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવ અહીં કેદારેશ્વર જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. અલબત્, ઉત્તરાખંડની માન્યતા અનુસાર બાંધવ હત્યાના પાપમાંથી મુક્તિ અર્થે પાંડવો શિવજીને શોધતા કેદારક્ષેત્રમાં આવ્યા હતા. કહે છે કે પાંડવોની આસ્થાની પરીક્ષા લેવાં મહાદેવ વિશાળકાય ભેંસનું રૂપ લઈ ભાગવા લાગ્યા. પાંડવોએ તેમને ઓળખી લીધાં. બળશાળી ભીમે તે ભેંસની પૂંછને પકડી લીધી. આખરે, ભૈંસરૂપ શિવજીએ તેમનું મુખ જમીનમાં ઘુસાડી દીધું. પરંતુ, તેમની પીઠનો ભાગ બહાર જ રહી ગયો.

પ્રચલીત કથા અનુસાર આ ઘટના બાદ ભૈંસરૂપ શિવજી તેમના મૂળ રૂપમાં પ્રગટ થયા. તેમણે પાંડવોને દર્શન દઈ બાંધવ હત્યાના પાપમાંથી મુક્ત કર્યા અને સાથે જ પાંડવોની પ્રાર્થનાથી કેદારક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. અલબત્ ભેંસની પીઠના જ સ્વરૂપે ! દંતકથા એવી છે કે શિવજીએ ભેંસ રૂપે જમીનમાં નાંખેલું તે મસ્તક નેપાળના કાઠમંડુમાંથી બહાર નીકળ્યું હતું. જ્યાં દેવાધિદેવ મહાદેવ પશુપતિનાથ રૂપે ભક્તોને દર્શન આપી રહ્યા છે. અને કહે છે કે પશુપતિનાથ અને કેદારનાથ બંન્નેના દર્શન બાદ જ કેદારયાત્રાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.