Site icon Revoi.in

ભાવનગરના અલંગ શીપબ્રેકિંગ યાર્ડમાં લોખંડની પ્લેટો દરિયામાં મુકીને કરાતા દબાણથી જીવસૃષ્ટિને ખતરો,

Social Share

ભાવનગરઃ અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા  દરિયામાં લોખંડની પ્લેટો નાખી દરિયો પુરવાનું ગેરકાયદે કૃત્ય થઈ રહ્યુ હોવાથી દરિયાઈ જીવજંતુઓ પર મોટો ખતરો ઊભો થયો છે. આ અંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તાત્કાલિક પગલા ભરી દરિયામાં થઈ રહેલું દબાણ દૂર કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓએ માંગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર નજીક આવેલા અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં અગાઉ દરિયામાં ઝેરી કચરો, ઓઈલ વગેરે ઠાલવવાતું હતુ. જેને કારણે અનેક દરિયાઈ સજીવસૃષ્ટિ અસર પહોંચી હતી. આ અંગેની રજૂઆત બાદ પગલા લેવાયા હતા. પણ હવે શિપબ્રેકરો દ્વારા દરિયામાં પ્લેટો નાખી દરિયામાં દબાણ થઈ રહ્યું છે. શિપબ્રેકરોને મોટા પ્લોટ આપ્યા હોવા છતાં ગેરકાયદેસર રીતે દરિયામાં લોખંડની પ્લેટો મુકી દબાણ કરી રહ્યા હોવાનું કહેવાય છે. જેથી ફરી એકવાર દરિયાઈ સજીવસૃષ્ટિ પર ખતરો ઊભો થયો છે.  એટલું જ નહીં આ કૃત્યથી અનેક દરિયાઈ સજીવોને અસર થઈ છે. આ સમગ્ર મામલે પર્યાવરણ મંત્રાલય ઉપરાંત ગુજરાત મેરી ટાઈમબોર્ડ સમક્ષ પણ ગુજરાત ઈકોલોજી સોસાયટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અલંગમાં દરિયામાં દબાણ કરતા શીપબ્રેકરોને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ નોટિસ આપવામાં આવી હોવાનું કહેવાય છે.  જીએમબીએ આપેલી નોટિસને પણ દબાણકર્તાઓ ઘોળીને પી ગયા છે.  શિપ તૂટે છે ત્યારે ઝેરી પદાર્થો,ભંગાર, પ્લાસ્ટિક, રસાયણો,તેલ, લાકડાના ટુકડા અને અન્ય કચરો દરિયામા જાણતા-અજાણતા ફેલાય છે. આ પ્રદૂષણથી જીવ સૃષ્ટિમાં વનસ્પતિઓ તથા પ્રાણીઓને નુકશાન થતા તેઓ નાશ પામે છે. ધણીવાર આ કચરાના ભરાવાથી દરિયાકિનારો છીછરો બને છે અને પુરાણ થતા દરિયાઈ જીવો કિનારાથી દુર જતા રહે છે તેમજ ક્યારેક મોત પણ થતા હોય  છે.