Site icon Revoi.in

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં ત્રણના મોત, 7ને ઈજા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હાઈ-વે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. આજે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે  બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા ત્રણના મોત નિપજ્યા હતા.જ્યારે સાત લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી હતી કે, આજે બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારના ફૂરચા ઉડી ગયા હતા. કારની અંદર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

એક્સપ્રેસ હાઈ-વે પર વાહનો બેફામ ગતિએ દોડતા હોવાથી ઘણીવાર વાહનચાલકો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાતા હોય છે. તાજેતરમાં આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 9 જેટલા લોકોનાં મોત થયાં હતા. ઈકોમાં સવાર અજમેરી પરિવાર જલગાંવથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, એ સમયે ટ્રક ચાલકને ઝોંકુ આવી જતાં ટ્રક ઇકો સાથે અથડાઈ હતી. બે બાળકો સહિત 9 લોકોના મોત થતાં મૃતકોના ગામ વરતેજ અને તારાપુર સહિતના પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.