Site icon Revoi.in

અયોધ્યા વિવાદને ઉકેલશે મધ્યસ્થોની પેનલ, જાણો જસ્ટિસ કલીફુલ્લા સહીતના કોણ છે ત્રણ સદસ્યો?

Social Share

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મધ્યસ્થોના નામ નક્કી કર્યા છે. આ નામોમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ફકીર મુહમ્મદ ઈબ્રાહીમ કલીફુલ્લા, આર્ટ ઓફ લિવિંગના પ્રમુખ શ્રીશ્રી રવિશંકર  અને સિનિયર એડવોકેટ શ્રીરામ પંચૂનો સમાવેશ થાય છે. ત્રણ સદસ્યોની આ પેનલની સામે બંને પક્ષકાર પોતાની વાત રજૂ કરશે અને આ મધ્યસ્થતા ફૈઝાબાદ ખાતે કરવામાં આવશે. આ કમિટી સમક્ષ હિંદુ અને મુસ્લિમ પક્ષકારો પોતાની વાત રજૂ કરશે. બાદમાં આ કમિટી પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટની સમક્ષ રજૂ કરશે.

  1. જસ્ટિસ ફકીર મુહમ્મદ ઈબ્રાહીમ કલીફુલ્લા

સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યસ્થતા માટે બનાવવામાં આવેલી કમિટિના ચેરમેન ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ફકીર મુહમ્મદ ઈબ્રાહીમ કલીફુલ્લા હશે. તેઓ તમિલનાડુના શિવગંગા જિલ્લાના કરાઈકુડીના વતની છે. જસ્ટિસ કલીફુલ્લાનો જન્મ 23 જુલાઈ-1951ના રોજ થયો હતો. તેમણે 20 ઓગસ્ટ-1975ના રોજ પોતાની વકીલાત શરૂ કરી હતી. તેઓ શ્રમ કાયદા સાથે સંબંધિત મામલામાં સક્રિય વકીલ રહ્યા હતા. જસ્ટિસ કલીફુલ્લા પહેલા મદ્રાસ હાઈકોર્ટમાં સ્થાયી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. બાદમાં તેમને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 2000માં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ અને 2011માં કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2. શ્રીરામ પંચૂ

અયોધ્યા વિવાદના ઉકેલ માટની કમિટીના ત્રીજા સદસ્ય છે. શ્રીરામ પંચૂ વરિષ્ઠ એડવોકેટ છે. તેઓ મધ્યસ્થતા દ્વારા કેસના સમાધાનમાં માહેર માનવામાં આવે છે. તેમણે મધ્યસ્થતા કરીને કેસ ઉકેલવા મટે ધ મીડિયેશન ચેમ્બર નામની એક કાયદાકીય સંસ્થા પણ બનાવી છે. આ સંસ્થાનું કામ પરસ્પર સુલેહ દ્વારા કોર્ટની બહાર જ મામલાઓને ઉકેલવાનું છે. તેઓ એસોસિએશન ઓફ ઈન્ડિયન મીડિયેટર્સના અધ્યક્ષ છે. તેઓ બોર્ડ ઓફ ઈન્ટરનેશનલ મીડિયેશન ઈન્સ્ટિટ્યૂટના બોર્ડમાં પણ સામેલ રહ્યા છે. ભારતની ન્યાય વ્યવસ્થામાં મધ્યસ્થતાને સામેલ કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહેલું છે. સુપ્રીમ કોર્ટે શ્રીરામ પંચૂને વિશિષ્ટ મધ્યસ્થ અને દેશના સૌથી જૂના મધ્યસ્થોમાંથી એક ગણાવ્યા છે. શ્રીરામ પંચૂ દેશના ઘણાં જટિલ અને વીવીઆઈપી મામલામાં મધ્યસ્થતા કરી ચુક્યા છે. આમા કમર્શિયલ, કોર્પોરેટ, કોન્ટ્રાક્ટના મામલાનો સમાવેશ થાય છે. આસામ અને નાગાલેન્ડની વચ્ચે પાંચસો વર્ગ કિલોમીટરના ભૂભાગના મામલાને ઉકેલવામાં પણ તેમને મધ્યસ્થ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેના સિવાય મુંબઈમાં પારસી સમુદાયના મામલાના ઉકેલ માટે પણ તેઓ મધ્યસ્થતા કરી ચુક્યા છે.

3. શ્રીશ્રી રવિશંકર

આર્ટ ઓફ લિવિંગના પ્રમુખ શ્રીશ્રી રવિશંકર દેશના મુખ્ય આધ્યાત્મિક ગુરુઓમાંથી એક છે. તેમણે પહેલા પણ અયોધ્યા વિવાદમાં મધ્યસ્થતાની કોશિશ કરી હતી. તેના માટે તેઓ અયોધ્યા પણ ગયા હતા અને પક્ષકારો સાથે તેમણે મુલાકાત પણ કરી હતી. શ્રી શ્રી રવિશંકરનું નામ જેવું મધ્યસ્થ તરીકે સામે આવ્યું, તો ઘણાં પક્ષકારો અને મોટા સાધુ-સંતોએ આનો વિરોધ કર્યો હતો.