Site icon Revoi.in

બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં દોષિત ત્રણ સિનિયર્સ વિદ્યાર્થીઓને 2-3 ટર્મ માટે સસ્પેન્ડ કરાયા

Social Share

અમદાવાદઃ શહેરની બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગ ઘટના બન્યા બાદ મામલે 7 જુનિયર તબીબી વિદ્યાર્થીઓએ  સિનિયર વિદ્યાર્થીઓ  વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે બી. જે. મેડિકલ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનારા  રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદની બી જે મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના જુનિયર તબીબી વિદ્યાર્થીઓ  પર તેમના જ સિનિયર ડો. ધવલ માંકડીયા, ડો. જયેશ ઠુમમર અને ડો. હર્ષ સુરેજા દ્વારા રેગિંગ કરી માર મારવાનો આક્ષેપ કરાયો હતો. ઉપરાંત  જ્યાં જુનિયર ડોક્ટરની ડ્યુટી હોય તે વૉર્ડમાં પણ સિનિયર ડોક્ટર દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું. આ મામલે જુનિયર વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટના વડા રાજેશ સોલંકીને ફરિયાદ કરી હતી. રાજેશ સોલંકીએ આ ફરિયાદ બીજે મેડિકલ કોલેજને ટ્રાન્સફર કરી હતી. અને એન્ટી રેગિંગ કમિટી બનાવીને હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં સિનિયર્સ ગણાતા હર્ષ સુરેજાને જ્યારે નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારે તે રડી ગયો અને રડતા રડતા ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે અન્ય 6-7 લોકોએ હર્ષની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે, છેલ્લા 3 મહિનાથી હર્ષ દ્વારા રેગિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી તેને ઓછી સજા કરવી જોઈએ.. રેગિંગ કરનાર 3 ડોક્ટર પૈકી એકના પિતા હીરા ઘસવાનું કામ કરે છે અને એકના પિતા ખેડૂત છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બીજે મેડિકલ કોલેજ દ્વારા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા ભોગ બનનારના, રેગિંગ કરનાર, HOD, વૉર્ડમાં કામ કરતા અન્ય લોકોના આમ 30થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિડિયો, ઓડિયો, તસવીરો સહિતના પૂરાવા પણ ચકસવામાં આવ્યા હતા. આ પૂરાવા ચકાસીને એન્ટી રેગિંગ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રેગિંગ કરનાર 3 ડોક્ટર પૈકી હર્ષ સુરેજાએ રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલ નહીં થાય તેવી બાયધરી આપી હતી. જ્યારે જયેશ ઠુમમર અને ધવલ માકડિયાએ કબૂલાત નહોતી કરી, પરંતુ તેમની વિરુદ્ધ પૂરાવા હતા. જયેશ ઠુમ્મર અને ધવલ માંકડિયાને 3 ટર્મ એટલે દોઢ વર્ષ માટે અને હર્ષ સુરેજાને 2 ટર્મ એટલે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કર્યા બાદ ફરીથી જ્યારે ત્રણેય ડોક્ટર રિજોઈન કરશે, ત્યારે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટનું ગુડ સર્ટિફિકેટ લેવામાં આવશે. બી જે મેડિકલ કોલેજમાં છેલ્લે 2015-16ના વર્ષમાં એક સર્જરીના ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. તે ઘટનામાં રેગિંગ કરનાર ડોક્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરની ઘટનામાં સસ્પેન્ડ કરેલા ડોક્ટરને કેમ્પસ, હોસ્પિટલમાં, હોસ્ટેલ અને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

 

Exit mobile version