Site icon Revoi.in

વાધ દિવસઃ દુનિયામાં માત્ર 4000 જ વાઘની વસ્તી, 70 ટકા વાઘ માત્ર ભારતમાં

Social Share

દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં વાઘની વસ્તી ધીમે-ધીમે ઘટી રહી છે. લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29મી જુલાઈએ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દુનિયામાં હાલ માત્ર ચાર હજાર જ વાઘ બચ્યાં છે. જે પૈકી સૌથી વધારે વાઘની સંખ્યા ભારતમાં છે. 70 ટકા જેટલા વાઘ માત્ર ભારતમાં છે. ભારત સરકાર પણ વાઘની પ્રજાતિને બચાવવા માટે વિવિધ અભિયાન ચલાવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સહિત દુનિયાના માત્ર દસ દેશમાં જ વાઘની હાજરી જોવા મળે છે. વર્ષ 2010માં સેન્ટ પીટર્સ બર્ગ ટાઈગર સમ્મિટમાં 29મી જુલાઈના રોજ વાઘ દિવસ ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. વિશ્વમાં દિવસે દિવસે ઘટતા જતા વાઘોનું રક્ષણ કરવું આવશ્યક હતું, આ બાબતે કશું ન કરવામાં આવે તો વાઘ ધીમે ધીમે અલિપ્ત થવાને આરે હતા જેથી આ સંમેલનમાં વાઘની આબાદી ધરાવતા 10 દેશોએ એવું નક્કી કર્યું કે વર્ષ 2022 સુધી તેઓ વાઘની આબાદી બમણી કરશે.

વાઘ ફેલિડે એટલે કે બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરેનાં પરિવારનો એક સભ્ય છે. સૌથી મોટી વાઘની પેટા જાત સાઇબેરીયન વાઘ છે. કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા, ખુલ્લી ઘાસવાળી જમીનથી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં તથા જળબંબાકારમાં પણ રહી શકે છે. તેમજ સામાન્ય રીતે એકલું રહેવાનું પસંદ કરે છે. ભારતમાં મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્ક, પેંચ ટાઈગર રીઝર્વ, રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્ક, ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્ક એમ ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જ વાઘ જોવા મળે છે.

(PHOTO-FILE)