Site icon Revoi.in

જામનગર જિલ્લાના 11 દરિયાઈ ટાપુઓ પર જવા માટે હવે તંત્રની મંજુરી લેવી પડશે

Social Share

જામનગર :  ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરિયા રિનારો આવેલો છે. દરિયા કિનારા નજીક કેટલાક સ્થળોએ બેટ પણ આવેલા છે. ઘણાબધા બેટ નિર્જન છે, એટલે કે બેટ પર માનવ વસતી નથી. જ્યારે બે ત્રણ બેટ પર માનવ વસતી થોડી છે. તમામ બેટ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર હોય છે. દરમિયાન જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ પર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર એક  પિરોટન ટાપુ પર માનવ વસાહત છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાએ અવારનવાર ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે લોકોની અવર-જવર રહેતી હોય છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રે બી.એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ 144  અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  તેથી, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-1860ના 45માં અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું આગામી તા.14-05-2023 સુધી અમલમાં રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના 11 ટાપુ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, તેમજ  ટાપુ –એ અને  ટાપુ –બી,નો સમાવેશ થાય છે. આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં આવેલા નીચે મુજબના 21 ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. 2જી નવેમ્બર-2023  સુધી અમલમાં રહેશે.

Exit mobile version