Site icon Revoi.in

ચૂંટણી જીતવા ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર, ગામડાંમાં જાદુગરોને ઉતાર્યા પ્રચારમાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારો તો ભાજપના ગઢ ગણાય છે. પરંતુ ગામડાઓના મતદારો ભાજપની હાલત ખરાબ કરી શકે તેમ છે. આથી ભાજપે ગામડાઓના મતદારોને રિઝવવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ભાજપે ફલેશ મોબ, યુથ વિથ નમો બેન્ડ સહિતના માધ્યમ સાથે પ્રચાર કરી રહ્યું છે, ગામડાંઓમાં ભાજપે જાદુગરોને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. જાદુગરો ગામડાંમાં જઈને જાદુના ખેલ બતાવીને ભાજપને મત આપવાની અપિલ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરમાં કોંગ્રેસ પ્રભાવિત હોવાથી ભાજપે ગ્રામ્ય નાગરિકોને પસંદ એવા જાદુગરોને મેદાનમાં ઉતાર્યા છે. આ જાદુગરો દરેક ગામડામાં જઇને જાદુના ખેલ દેખાડે છે, સાથે ભાજપની વિકાસની વાતો કરે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની ચૂંટણીમાં પણ ભાજપે ગ્રામ્ય સ્તરે જાદૂગરોનો ઉપયોગ કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસે પ્રચારમાં ટેકનોલોજીનો ઉપયોગ તો કરી રહ્યા છે,આ સાથે જુની પદ્ધતિઓને પણ અપનાવીને પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. ભાજપે ગ્રામ્ય સ્તરના મતદારોને આકર્ષવા માટે જાદુગરોને ગામડાઓમાં પ્રચાર કરવા માટે મોકલ્યા છે. જાદુઇ ખેલની સાથે જ વિકાસની વાતને વણી લેવામાં આવી છે. પાણીના ખેલ દેખાડીને ગુજરાતમાં પીવાના પાણીની તંગી નથી તેવી વાત કરે છે, તો આગનો શો દેખાડીને સલામતીની વાત કરે છે. દરેક જાદુના ખેલ પાછળ ભાજપના વિકાસની વાતને વણી લેવામાં આવી છે. હાલ તો સૌરાષ્ટ્રના ગામડાઓમાં જાદુગરો ભાજપનો પ્રચાર કરી રહ્યા છે.(File photo)