Site icon Revoi.in

આજે બુદ્ધ પુર્ણિમાનો દિવસ – જાણો તેનું ખાસ મહત્વ, અને ભગવાન બુદ્ધ વિશેની કેટલીક વાતો

Social Share

દિલ્હીઃ-  દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાની તારીખે, ભગવાન બુદ્ધની જન્મજયંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાની તારીખે થયો હતો. હિંદુ ધર્મમાં, ભગવાન બુદ્ધને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તેથી આ તારીખે હિંદુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ તહેવારને ખૂબ જ આદરપૂર્વક ઉજવે છે. 

આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર આજ રોજ એટલે કે 16 મેના રોજ ઉજવવામાં આવશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ આ દિવસે જ થશે. આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન બુદ્ધ અને ચંદ્રદેવની પણ પૂજા કરવામાં આવશે.

જાણો બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ

વૈશાખ મહિનાની પૂર્ણિમાને વૈશાખી પૂર્ણિમા, પીપળ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે વૈશાખ પૂર્ણિમા બધામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. દર મહિનાની પૂર્ણિમા ભગવાન હરિ વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે, જે વિશ્વના પાલનહાર છે. ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. જેમણે આ પવિત્ર તિથિએ બિહારના પવિત્ર તીર્થસ્થળ બોધગયામાં બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વૈશાખ મહિનો પવિત્ર માસ માનવામાં આવે છે. જેના કારણે હજારો ભક્તો પવિત્ર યાત્રાધામોમાં સ્નાન, દાન કરીને પુણ્ય મેળવે છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે.

ગુજરાતમાં ક્યારથી આવ્યો બોદ્ધ ઘર્મ જાણો

જો ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં

ભગવાન બુદ્ધે આપ્યા છે સુખી જીવનના ઘણા મંત્રો

ભગવાન ગૌતમ બુદ્ધે ચાર સૂત્ર આપ્યા છે જેને ‘ચાર આર્ય સત્ય’ના નામે ઓળખવામાં આવે છે. પહેલું દુ:ખ છે, બીજુ દુ:ખનું કારણ, ત્રીજુ દુ:ખનું નિદાન અને ચોથું માર્ગ એ છે જેનાથી દુ:ખનું નિવારણ થાય છે. ભગવાન બુદ્ધના અષ્ટાંગ માર્ગ એ માધ્યમ છે, જે દુ:ખના નિદાનનો માર્ગ બતાવે છે. તેમનો આ અષ્ટાગિંક માર્ગ જ્ઞાન, સંકલ્પ, વચન, કર્મ, આજીવ, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિના સંદર્ભમાં સમ્યકતાથી સાક્ષાત્કાર કરાવે છે.