Site icon Revoi.in

આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યોઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ તા.૨૨ જાન્યુઆરીના રોજ અભિજીત મુર્હુતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી.

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજના પાવન પ્રસંગે મુખ્યમંત્રીએ શીલજ ગામના રામ મંદિર ખાતે દર્શન કર્યા હતા. શીલજના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.