- કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હાર્યો
- અઝરબૈજાનનાં હાજી અલીયેવે 12-5 થી હરાવ્યો
- બ્રોન્ઝ મેડલની આશા હજુ બાકી
દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હારી ગયો છે. આ પછી પણ મેડલની આશા અકબંધ છે. તેઓ હવે શનિવારે બ્રોન્ઝ મેડલ માટે રમશે.બજરંગને 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં વર્તમાન ઓલિમ્પિક પદક વિજેતા અને ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી અલીયેવે 12-5 થી હરાવ્યો હતો.બે વર્ષ પહેલા બજરંગે પ્રો રેસલિંગ લીગમાં અલીયેવને હરાવ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં ટોક્યોમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
બજરંગ પુનિયાએ મેચમાં સારી શરૂઆત કરી હતી અને 1-0 ની લીડ મેળવી હતી. પરંતુ હાજી અલીયેવે પુનરાગમન કરીને 2-1 ની લીડ મેળવી. અને પછી અલીયેવ 4-1 થી આગળ નીકળી ગયો. પ્રથમ ત્રણ મિનિટ સુધી સ્કોર સમાન રહ્યો. છેલ્લી ત્રણ મિનિટમાં બંને વચ્ચે સારી લડાઈ થઈ. પરંતુ હાજી અલીયેવ અંતે 12-5 થી જીતવામાં સફળ રહ્યો.
હાજી અલીયેવે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તે 2014, 2015 અને 2017 માં વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. આ સિવાય તેણે વર્લ્ડ કપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. બીજી બાજુ, જ્યારે બજરંગ પુનિયાની વાત કરીએ તો તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા છે. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
બજરંગ પુનિયા કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીતનાર છઠ્ઠા ભારતીય કુસ્તીબાજ બની શકે છે. એક દિવસ પહેલા રવિ દહિયાએ સિલ્વર જીત્યો હતો. આ સિવાય સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. યોગેશ્વર દત્તે 2012 માં બ્રોન્ઝ જીત્યો હતો અને મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે 2016 રિયોમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ પહેલા કેડી જાધવે 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય કુસ્તીબાજ હતા