Site icon Revoi.in

દિલ્હી-NCRમાં વહેલી સવારે મુશળધાર વરસાદ,રસ્તાઓ પર પાણી ભરાયા

Social Share

દિલ્હી: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ઘણા દિવસોથી સારા વરસાદની રાહ જોઈ રહેલા દિલ્હી-NCRના લોકોને બુધવારે રાહત મળી છે. સવારથી દિલ્હી-NCRમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મંડી હાઉસથી રિંગ રોડ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરુ છે. વરસાદની સાથે દિલ્હી-એનસીઆરમાં સવારે અંધારાના કારણે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી 22 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોનો સમાવેશ થાય છે.

આ દરમિયાન બુધવારે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, કોંકણ, ગોવા, તેલંગાણા, રોયલ સીમા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કુલ્લુમાં વાદળ ફાટવાથી જાનમાલને ભારે નુકસાન થયું છે.ગંગા, યમુના, ઘગ્ગર, હિંડોન સહિતની તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં 28 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં 27 જુલાઈ સુધી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 26 અને 28 જુલાઈ, પશ્ચિમ રાજસ્થાનમાં 25 અને 26 જુલાઈ, જમ્મુ અને કાશ્મીરમાં આજે અને 27 જુલાઈ સુધી વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.