Site icon Revoi.in

અંબાજીમાં ગબ્બરના પર્વત પર દીપડો દેખાતા પ્રવાસીઓમાં ફફડાટ, દીપડાને પકડવા પાંજરૂ મુકાયું

Social Share

અંબાજીઃ  સુપ્રસિદ્ધ ગણાતા શક્તિપીઠ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં માઈભક્તો  જગતજનની અંબાના દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. ગબ્બર પર આવેલા 51 શક્તિપીઠમાંના દર્શનનો લાભ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો છે. ત્યારે ગબ્બર પર્વતમાં દીપડો જોવા મળતા પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે આ અગેની વન વિભાગને જાણ થતાં દીપડાંને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. તેમજ દીપડાના સગડ મેળવવામાં આવી રહ્યા છે. પણ હજુ દીપડો પકડાયો નથી.

અંબાજી નજીક ગબ્બર પર્વતની પહાડીઓમાં રવિવારે સવારે દિપડો નજરે પડ્યો હતો. ગબ્બર પર્વત પર કામ કરતા શ્રમિકોને દીપડો દેખાયો હતો. મોબાઈલથી દીપડાંનો વિડિયો પણ ઉતાર્યો હતો. અંબાજી ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો દેખાતા દર્શનાર્થીઓ અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે. 51 શક્તિપીઠ પર પૂજારીઓ સહિત લેબર કામ કરતા શ્રમિકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ ઘટનાની જાણ વન વિભાગ અંબાજીને કરતા વન વિભાગ એક્શનમાં આવ્યુ હતુ.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગબ્બર પર્વતની પહાડીઓમાં રવિવારે સવારે દીપડાની જાણ થતાં પાલનપુરની રેસ્ક્યુટીમ ગબ્બર પર્વત પર પહોંચી હતી. અને પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. વન્ય અભ્યારણ હોવાના કારણે અને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાન રાખી દીપડાને વહેલીતકે પકડી લેવાશે.

વન વિભાગના આરએફઓના કહેવા મુજબ  ગબ્બરની પહાડીઓઓમાં રવિવારે સવારે દિપડો દેખાતા અધિકારીઓ ગબ્બર પર્વત પર પહોંચી ગયા હતા. ગબ્બરની પહાડીઓમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ચારથી પાંચ પાંજરાઓ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર પુજારીઓ તેમજ દર્શનાર્થીઓને ચાલતા જવા માટે ટૂંક સમય માટે પ્રતિબંધ મુકાયો છે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈને તંત્ર એકશન મોડમાં છે. તો ગબ્બરની પહાડીઓથી દીપડાનું રેસક્યું કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ હાથ ધરાઇ છે.