Site icon Revoi.in

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન તા 22મીએ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સ બંધ રાખવા વેપારીઓની માગ

Social Share

રાજકોટઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ હોવાથી મહોત્સવના દિવસે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા વેપારી એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા યાર્ડના ચેરમેનને પત્ર લખી 22 જાન્યુઆરીએ દેશમાં ઐતિહાસિક ઉત્સવનો માહોલ હોવાથી વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પણ તેમાં સહભાગી બની શકે તે માટે યાર્ડમાં રજા રાખવાની માગ કરી છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં 22 જાન્યુઆરીની રજા જાહેર કરવા  રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનનાં પ્રમુખના કહેવા મુજબ, અયોધ્યાની પવિત્ર ધરતી ઉપર ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. 22 જાન્યુઆરીનાં રોજ યોજાશે. જેને લઈને દેશભરમાં તહેવારનો માહોલ સર્જાશે. ત્યારે સમગ્ર દેશવાસીઓ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે. તેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં તમામ યાર્ડ બંધ રાખવા માટે દરેક માર્કેટિંગ યાર્ડનાં ચેરમેનોને લેખિત રજૂઆત કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલા લોકો પણ આ ઐતિહાસિક ક્ષણ માણી શકે તે માટે 22 જાન્યુઆરીના રોજ તમામ યાર્ડમાં રજા જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના ચેરમેનો ભાજપ સાથે જોડાયેલા છે. ત્યારે વેપારી એસોની માગણી સ્વીકારીને 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિને રજા રાખવામાં આવે તેવી શક્યતા છે. કેટલાક વાલી મંડળોએ 22મી જાન્યુઆરીએ શાળા-કોલેજોમાં પણ રજા રાખવાની માગ કરી છે. એટલે પ્રાણ પ્રતિષ્ઠાના દિને રાજ્યભરમાં રજાનો માહોલ જોવા મળશે. આ મહોત્સવમાં સહભાગી થવા માટે સૌકોઈ થનગની રહ્યા છે.