Site icon Revoi.in

ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની બોરીઓ ચોરાતા વેપારીઓએ હરાજી ઠપ કરી

Social Share

ભાવનગરઃ શહેરના માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીથી લઈને શાકભાજી સુધીની કૃષિની જણસની સતત આવકથી દિવસ-રાત યાર્ડ ધમધમતું રહેતું હોય છે આમ છતાં  રાત્રે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની બે ગુણની ચોરી થતા વેપારીઓ રોષે ભરાયા હતા. આથી આજે સવારના સમયે એકાદ કલાક સુધી મગફળીના વેપારીઓએ હરાજી ઠપ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં મગફળી હરાજી શરૂ થઇ ગઇ અને અને દિવસ દરમિયાન 2500થી વધુની ગુણીની હરાજી થઈ હતી.

ભાવનગરનું માર્કેટયાર્ડ ખરીફ પાકની આવકથી ધમધમી રહ્યુ છે. જેમાં મગફળીની સારી આવક છે. ખેડુતોને ભાવ પણ પુરતા મળતા હોવાથી ખેડુતો ખૂશખૂશાલ છે, દરમિયાનમાં રાત્રે જીતેન્દ્ર એન્ડ કંપની નામના વેપારીની યાર્ડમાં રાખેલી મગફળીની બે ગૂણીની ચોરી થઇ જતા વેપારીઓ રોષે ભરાયા હતા. યાર્ડમાં સીસીટીવી નથી. ઉપરાંત સિક્યોરિટી ગાર્ડની પણ પૂરતી સુવિધા નથી. આથી વખતોવખત ચોરીના બનાવો બને છે તે બાબતે વેપારીઓએ રજૂઆત કરી હતી. સાથે મગફળીની હરરાજીનો બહિષ્કાર પણ કર્યો હતો. આવી રીતે ચોરી થાય ત્યારે વેપારીઓને ખોટ ભોગવવી પડે છે. જો માલ વેચાયા વગરનો હોય તો ખેડૂતોને ખોટ ભોગવવી પડે છે.

માર્કેટ યાર્ડના સેક્રેટરી જણાવ્યું હતું કે યાર્ડમાં હાલ સીસીટીવીની સુવિધા નથી અને રાત્રીના સમયે ચોરીનો બનાવ બન્યો છે. પરંતુ આખી રાત શાકભાજીની હરાજી શરૂ હોય છે ત્યારે આ બનાવ બન્યો તે ચિંતાજનક બાબત ગણી શકાય. આ બાબતે અમે વેપારીને પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. કારણ કે આ તસ્કરીનો મામલો યાર્ડનો નહીં પરંતુ પોલીસનો ગણાય. દરમિયાન એકાદ કલાકની સમજાવટ બાદ આખરે મગફળીના વેપારીઓએ હરાજી પૂર્વવત કરી હતી અને  યાર્ડમાં 2500થી વધુ મગફળીની ગુણીની હરાજી થઇ હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના ચિત્રા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં સીસીટીવી કેમેરાની સુવિધા માટેનો 70 લાખથી વધુની કિંમતનો પ્રોજેક્ટ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો સમયગાળો હોય લોકડાઉનના સમયમાં ત્રણ ત્રણ વાર ટેન્ડર જાહેર કર્યા છતાં પૂરતા ભાવ મળતા નથી અને આથી આ સુવિધા હજી સુધી યાર્ડમાં ઉપલબ્ધ થઇ શકી નથી હવે કોરોનાની સ્થિતિ સુધરી છે આથી આગામી દિવસોમાં સીસી ટીવી માટેના ટેન્ડર પુનઃ જાહેર કરાશે.