Site icon Revoi.in

ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે રમતગમતમાં આદિવાસી યુવાનો બની રહ્યા છે, ચેમ્પિયન

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે નોંધનીય પ્રયાસો કર્યા છે. તેના પરિણામે આજે ગુજરાતનો આદિજાતિ બાંધવ દરેક ક્ષેત્રે અગ્રેસર બન્યો છે. વડાપ્રધાનએ ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી હતી, જેના હેઠળ આદિવાસી ખેલાડીઓએ રાજ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. આદિવાસી યુવાનોએ એથ્લેટિક્સ, આર્ચરી, જુડો, કુસ્તી, ખો-ખો, રાઈફલ શૂટિંગ સહિતની રમતોમાં વિવિધ કક્ષાએ નોંધનીય પ્રદર્શન કર્યું છે. ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ 2018માં મહિલા 4×400 મીટર રિલે ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને મુરલી ગાવિતે 2019માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર આવા પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

રાજ્યમાં રમતગમતના વાતાવરણને ઉત્તેજન મળે એ માટે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે જેમાં સ્કૂલ સ્પોર્ટ્સ કોન્ટેક્ટ પ્રોગ્રામ, સેન્ટર ઑફ એક્સલન્સ, ખેલ પ્રતિભા પુરસ્કાર, શક્તિદૂત યોજના, ઇનસ્કૂલ યોજના, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, ખેલ મહાકુંભ વગેરેનો સમાવેશ થાય છે. ખેલાડીઓની પ્રતિભાને નિખારવા માટે ગુજરાત સરકાર તેમને યોજના મુજબ સ્પેશિયલ કોચિંગ, સ્પોર્ટ્સ કિટ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસનો ખર્ચ, પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી હતી. જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે. આ નીતિ હેઠળ રાજ્યમાં આદિવાસી લોકોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રોગ્રામ શરુ કરવામાં આવશે.  અરવલ્લી, બનાસકાંઠા,  ભરૂચ,  દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વલસાડની 15 ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલો માટે ₹13,91,70,615ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આ શાળાઓમાં 1000થી વધુ આદિવાસી ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે.  છેલ્લા 10 વર્ષમાં 15 આદિવાસી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર તરીકે કુલ 1 કરોડ 39 લાખની રકમ એનાયત કરવામાં આવી છે. શક્તિદૂત યોજના હેઠળ સરિતા ગાયકવાડને વર્ષ 2017થી વર્ષ 2024 સુધી ₹12 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. તો મુરલી ગાવિતને આ જ સમયગાળામાં ₹55,92,806ની સહાય આપવામાં આવી છે.

Exit mobile version