વોશિંગ્ટન, 14 જાન્યુઆરી 2024: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર થઈ રહેલા દમન અને હિંસા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંદોલનકારીઓને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા પ્રદર્શનકારીઓને આંદોલન ચાલુ રાખવા અપીલ કરી છે. તેમણે ઈરાની સત્તાવાળાઓને કડક ચેતવણી આપતા કહ્યું કે, “મદદ રસ્તામાં છે,” જોકે આ મદદ કયા સ્વરૂપમાં હશે તે અંગે તેમણે હજુ રહસ્ય અકબંધ રાખ્યું છે.
- ‘મેક ઈરાન ગ્રેટ અગેન’: ટ્રમ્પની ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “ઈરાની દેશભક્તો, પ્રદર્શન ચાલુ રાખો અને તમારી સંસ્થાઓ પર કબજો કરો. જેઓ હત્યા કરી રહ્યા છે અને અત્યાચાર ગુજારી રહ્યા છે તેમના નામ સાચવીને રાખજો, તેમને આની મોટી કિંમત ચૂકવવી પડશે.” ટ્રમ્પે વધુમાં સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી નિર્દોષ પ્રદર્શનકારીઓની હત્યાઓ બંધ નહીં થાય, ત્યાં સુધી તેઓ ઈરાની અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારની બેઠક કે વાતચીત કરશે નહીં. તેમણે પોતાના સંદેશના અંતે મેક ઈરાન ગ્રેટ અગેન સૂત્ર પણ લખ્યું હતું.
ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનોએ હવે લોહિયાળ વળાંક લીધો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન ‘હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી’ (HRANA) ના અહેવાલ મુજબ, આ હિંસામાં અત્યાર સુધીમાં અંદાજે 1,847 પ્રદર્શનકારીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. અન્ય કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં આ આંકડો 2,000 ને પાર કરી ગયો હોવાનું પણ કહેવાય છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંકેત આપ્યો હતો કે અમેરિકા સાથે વાતચીતના રસ્તા હજુ ખુલ્લા છે. અરાઘચીએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ સાથે સંપર્કમાં છે. જોકે, ટ્રમ્પના તાજેતરના વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે ઈરાન પર દબાણ વધારવાની રણનીતિ અપનાવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ઉત્તરાયણ પર આ રીતે ઘરે બનાવો ચટાકેદાર સુરતી ઊંધિયું

