Site icon Revoi.in

ટ્વિટર અને મસ્કની કાનૂની લડાઈનો અંત,28 ઓક્ટોબર સુધીમાં ‘ડીલ’ કરવાનું અલ્ટીમેટમ

Social Share

મુંબઈ:વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક અને ટ્વિટર વચ્ચેની કાનૂની લડાઈ થોડા સમય માટે બંધ થઈ ગઈ છે.અમેરિકી અદાલતે મસ્કને ટ્વિટર સાથેનો 44 બિલિયન ડોલરનો સોદો પૂર્ણ કરવા માટે વધુ સમય ઓફર કર્યો છે.ડેલાવેયર કોર્ટના ન્યાયાધીશે શુક્રવારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે,એલન મસ્કને ટ્વિટર સાથેનો તેમનો સોદો પૂર્ણ કરવા માટે 28 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવી રહ્યો છે.તેથી આ તારીખ સુધી તેની સામે કોઈ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે નહીં.પરંતુ જો તેઓ ડીલ પૂર્ણ નહીં કરે તો નવેમ્બરમાં ટ્રાયલ માટેની નવી તારીખ નક્કી કરવામાં આવશે.

ડેલાવેયર ચાંસરી જજ કેથલીન સેન્ટ જે. મેકકોર્મિકે એક આદેશમાં જણાવ્યું હતું કે, “બંને પક્ષો (ટ્વિટર અને એલન મસ્ક)ને $44 બિલિયનની ડીલ પૂર્ણ કરવા માટે 28 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપવામાં આવી રહ્યો છે.” જો આ તારીખ સુધીમાં ડીલ પૂર્ણ નહીં થાય તો કોર્ટ નવેમ્બરમાં ટ્રાયલ માટે તારીખ નક્કી કરશે.સુનાવણી દરમિયાન એલન મસ્કના વકીલોએ કહ્યું કે,મસ્કે 28 ઓક્ટોબર સુધીમાં ટ્વિટર ડીલ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મસ્કના વકીલોની આ દલીલ બાદ ડેલાવેયરના જજે ચુકાદો આપ્યો અને 28 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો.

ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા ઇન્ક.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) મસ્ક 17 ઓક્ટોબરે ટ્રાયલ પર જવાના હતા.જો કે, તેણે ફરીથી પહેલ કર્યા પછી તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. મસ્કના વકીલોએ જજને કહ્યું કે,તેમને થોડો વધુ સમય જોઈએ છે.તેનાથી ટ્વિટરને નુકસાન નહીં થાય.તે જ સમયે, ટ્વિટર મસ્કના વચનો પર પણ શંકાસ્પદ છે કે તે ફરી એકવાર સોદામાંથી બહાર નીકળી શકે છે.જેમ તેણે પહેલા કર્યું છે.ગુરુવારે કોર્ટમાં ફાઇલિંગમાં, એલન મસ્કએ કહ્યું કે,બેંકો સોદો પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે, તેથી તેમને વધુ સમયની જરૂર છે.