Site icon Revoi.in

ભાવનગરના હિલપાર્ક નજીક ભરાયેલા પાણીમાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જતાં મોત

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે નદી-નાળાં-તળાવો ભરાયેલા છે. તેથી ઘણા યુવાનો અને બાળકો નાહવા માટે નદી કે તળાવોમાં જતા હોય છે. અને અકસ્માતે ઊંડાં પાણીમાં ડુબી જવાના બનાવો બની રહ્યા છે. રવિવારે જ ચોરવાડ ઉપલેટા અને ખેડાના ગળતેશ્વરની મહિસાગરમાં ડુબી જવાના ત્રણ બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવ તાજો જ છે, ત્યારે ભાવનગરના હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જતાં મોત નિપજ્યા હતા.

આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો.. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને બાળકોના મૃતદેહને પાણીના ખાડામાંથી બહાર કાઢાયા હતાં. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને બાળકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર શહેરના સીદસર રોડ પર સ્થિત હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં શિવમ મોરબીયા અને સતીષ ઠાકર નામના બે બાળકો નહાવા પડતાં તેઓ અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતાં. ત્યાર બાદ તંત્રને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે પાણીના ખાડામાં બંને બાળકોની શોધખોળ હાથ ધરીને તેમના મૃતદેહો બહાર કાઢ્યા હતાં. આ ઘટનાની જાણ બંને બાળકોના માતાપિતાને કરતાં તેઓ ભારે આક્રંદ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version