Site icon Revoi.in

દહેગામના લિહોડા ગામે દારૂ પીધા બાદ બેનાં મોત, 4 સારવાર હેઠળ, પોલીસે લઠ્ઠાકાંડની વાતને નકારી

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે ચાર જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને કથિત લઠ્ઠાકાંડને લીધે રાજકીય માહોલ પણ ગરમાયો હતો. જો કે જિલ્લા એસપીએ લઠ્ઠાકાંડ હોવાનો ઈનકાર કર્યો હતો, આ મામલે કેટલાક શખસોને પકડવામાં આવ્યા છે.

દહેગામ તાલુકાના લિહોડા ગામે રવિવારે મોડી રાતે. લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. અને ચાર લોકોની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતક વ્યક્તિમાં એક લિહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોસ્પિટલ અંદર કોઈને પણ મળવા જવા દેવાની મનાઈ કરવામાં આવી છે. આ મામલે પોલીસે કેટલાક લોકોને રાઉન્ડ અપ કર્યા છે. જોકે, SP તેમજ ગૃહમંત્રી બન્નેએ લઠ્ઠાકાંડની વાત નકારી હતી.

ગાંધીનગરના ગિફ્ટ સિટીથી માત્ર 32 કિલોમીટર દૂર લિહોડા ગામમાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયાં હતા. તેમજ 4 લોકો હાલ સારવાર હેઠળ છે. દારૂ પીધા બાદ મોત થતાં નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો હતો. બે મૃતકમાંથી એક વિક્રમ નામના શખ્સ પાસેથી દારૂની બોટલ પણ પોલીસને મળી આવી છે. હજુ પણ નશાખોરની સંખ્યા વધે તો ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. બનાવની જાણ થતા રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા લિહોડા ગામે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બાબતે ખુબ ગંભીરતા પૂર્વક રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવી રહી છે.. પ્રાથમિક રિપોર્ટ મુજબ લઠ્ઠાનો કોઈ અંશ મળ્યો નથી. હજુ FSLનો પ્રાથમિક રિપોર્ટ જ આવ્યો છે, જો કે, સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે જે બાદ તમામ માહિતીઓ સામે આવી જશે.

આ અંગે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, એફએસએલ રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી. જેથી લઠ્ઠાકાંડ નથી. રાત્રે જ તકેદારીનાં ભાગરૂપે દારૂ પીધેલા લોકોને ઓબ્જેવેશનમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં કેટલાક લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે. બે લોકોના મોત થયા છે. આગળ વધુ તપાસ દરમિયાન જરૂર લાગશે તો કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે.