Site icon Revoi.in

સાયલા તાલુકાના ચોરવીરાની સીમમાં કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતરથી બેના મોત

Social Share

સુરેન્દ્રનગર: જિલ્લાના  સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતર થતાં બે મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતાં. જ્યારે એક મજૂરની હાલત ગંભીર છે. મૃતક બન્ને યુવાનો મુળી તાલુકાના ધોળીયા ગામના છે. મૃતકો પરિવારના અધારસ્તંભ હોવાથી બન્નેના મોતને લઇને પરિવારનો આધાર છીનવાઇ ગયો છે,

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિતના ખાડાઓ પુરી દેવામાં આવ્યા દાવા કરવામાં આવે છે. ત્યારે ખનીજ માફીયાઓ આવા પુરાયેલા ખાડાઓમાં મજૂરોને ઉતારી ફરી વાર કાર્બોસેલ સહિતના ખનીજનું ખોદકામ કરી રહ્યા છે અને મામુલી મજુરી માટે મજૂરોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં કાર્બોસેલ. ખાડામાં મુળી તાલુકાના ધોળીયા ગામના હર્ષદ બચુ બાંટીયા, હરેશ મનસુખભાઇ અને મુન્ના મનસુખભાઇ નામના ત્રણ મજૂરો ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન ગેસ ગળતર થતાં ત્રણેય મજૂરો બેભાન થઇ ગયાં હતાં. જેમાં હર્ષદભાઇ બચુભાઇ અને હરેશભાઇ મનસુખભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે મુન્નાભાઇ મનસુખભાઇ અર્ધબેભામ હાલતમાં મળી આવ્યા હતા. મૃતક બન્ને યુવાનોને રોજના પાંચસો રૂપિયાની મજૂરીની લાલચ આપી ખનીજ માફીયાઓ દ્વારા મોતના કુવામાં સેફ્ટીના કોઇ જ સાધનો આપ્યા વગર ધકેલી દેવામાં આવ્યા હતા. જેને લઇને જમીન માલિક સહિત ત્રણ શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ગોપાલભાઇ ભરવાડ, બાબુભાઇ આલ અને પીઠાભાઇ જગાભાઇ પંચાલ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ બે આશાસ્પદ યુવાનોના મોતથી બન્નેના પરિવારો પર આભ તુટી પડ્યું છે અને બન્નેના બાળકો નોંધારા બની ગયા છે.

આ વિસ્તારમાં ખેતી માટે પાણી કે અન્ય કોઇ ઉધોગ કે વ્યવસાય ન હોવાથી મજબુરીથી લોકો આ મોતના કુવામાં મજૂરી કરીને મોતને ભેટી રહ્યાં છે ત્યારે આ વિસ્તારમાં ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે. તેમજ બન્ને યુવાનોના પરિવારજનોને અને ખાસ કરીને નોંધારા બનેલા બાળકોને સરકાર સહાય ચૂકવે તેવી પરિવારજનોની માંગ છે. (file photo)