Site icon Revoi.in

કચ્છના નખત્રાણાના કોટડા ગામે બે જુથ બાખડી પડ્યા,વાહનો, કેબીનોને આગચંપી, રેન્જ IG દોડી ગયા

Social Share

ભૂજ :   કચ્છ જિલ્લાના નખત્રાણાના કોટડા ગામે મોડી રાત્રે  અચાનક મામલો બિચક્યો હતો. બે જુથ વચ્ચે  અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના કોટડામાં ગુરૂવારની રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન પરિસ્થિતિ વણસતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાલુકાના કોટડા (જદોડર) ગામે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સામાન્ય બાબતમાં પાચ શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યો હતો. જેને લઈ 1500થી વધુ લોકોનું ટોળુ એકત્ર થયુ હતું અને આરોપીઓના ઘર પર પથ્થરમારો કર્યો હતો તેમજ આરોપીઓની કેબીન અને વાહનોને આગ ચાપી દીધી હતી. જેથી પોલીસે ગામમાં આવી પરિસ્થિતિ કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસને રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ પોલીસને ભીડ વિખેરવા અશ્રુવાયુના સેલ પણ છોડવા પડ્યા હતા. અંતે મોડી રાત્રે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોટડામાં નાયાણી ફળિયામાં બુધવારે રાત્રે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં ભારે ભીડ જમા હતી અને લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા. ત્યારે તેની વચ્ચે ગામના જ આરીફ અને અસરફ પુરઝડપે બે ત્રણ વખત મોટર સાયકલ લઈને પસાર થયા હતા. જેથી તેઓને ફરિયાદી અરવિંદ કાંતિલાલ નાયાણીના ભાઈ ભરત નાયાણીએ બાઈક ધીમે ચલાવવા જણાવ્યું હતું. ફરિયાદીએ યુવકોને અહીં લગ્ન પ્રસંગ ચાલુ હોઈ તમે બાઈક ધીમે ચલાવી અને બીજા રસ્તેથી નીકળવાનું કહેતા આ વાતનું મનદુઃખ રાખી બાદમાં મુખ્ય આરોપી સાલે જાફર કુંભાર, આરીફ સાલે કુંભાર, અસરફ આમદ કુંભાર, ભચલો જૂસા કુંભાર અને આસીફ સાલે કુંભાર ત્યાં આવી અપશબ્દો બોલવા લાગ્યાં હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ગેરકાયદે મંડળી રચી ભરત કાંતિલાલ નાયાણીને સાલે જાફર કુંભારે માથાના ડાબા ભાગે કુહાડીનો ગંભીર પ્રકારનો ઘા મારી જીવલેણ હુમલો પણ કર્યો હતો. જ્યારે આરીફ સાલેએ ફરિયાદી અરવિંદ નાયાણીને ડાબા હાથના કાંડામાં ધારીયાનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. જે બાદ ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં ઘાયલ યુવકને પ્રથમ નખત્રાણા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન લગ્ન પ્રસંગે ધારદાર હથિયારો સાથે હુમલો થયાની વાત સમગ્ર કોટડા ગામમાં ફેલાઈ જતા લોકોના ટોળા એકત્ર થયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના ઘર પર પથ્થરમારો કરી દીધો હતો અને બહાર પડેલી ટ્રક, જીપ અને કેબિનમાં આગચાપી દેતા મામલો વધુ બિચક્યો હતો. ત્યારે નખત્રાણા પોલીસે મોરચો સંભાળી લઈ વધુ પોલીસ દળ મંગાવી લીધો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.