Site icon Revoi.in

વડોદરા નજીક પદમલા બ્રિજ પર ટેન્કર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત, પાંચને ઈજા

Social Share

વડોદરાઃ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક અકસ્માત વડોદરા નજીક સર્જાયો હતો. જેમાં શહેર નજીક પદમલા બ્રિજ પાસે રિક્ષા અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક માસૂમ બાળકી સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવને પગલે  પઠાણ પરિવારના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. અક્માતનો ભોગ બનેલા પરિવાર પદમલા અને વાસદ વચ્ચે આવેલા ઘડિયાળી બાબાના ધાર્મિક સ્થાન ઉપર દુઆ કરી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા.ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે. કે,  વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રોશન પાર્કમાં રહેતા પઠાણ પરિવારના બાળકો અને રિક્ષાચાલક સહિત 7 સભ્યો પદમલા-વાસદ હાઇ-વે પર આવેલા ઘડીયાળી બાબાના ધાર્મિક સ્થાનક ખાતે ગયા હતા. ત્યાં બાબાની દરગાહ ઉપર દુઆ કરી પરિવાર પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન પદમલા બ્રિજ પર રિક્ષાને પાછળના ભાગે પૂરપાટ પસાર થઇ રહેલા ટેન્કરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 6 વ્યક્તિઓ પૈકી 5 વર્ષની અદીબા મુત્યાજ પઠાણ અને 47 વર્ષના બુલુ અલીઅહેમદ પઠાણના સ્થળ પર કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અકસ્માતના આ બનાવની જાણ નવાયાર્ડ રોશનનગરમાં થતાં પરિવારજનો તેમજ સ્થાનિક લોકોના ટોળેટોળા સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

આ ગોઝારા અકસ્માતમાં ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી ગયા હતા આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને ટેન્કર ચાલકની શોધખોળ શરૂ કરી હતી..