Site icon Revoi.in

અમદાવાદના અસારવા વિસ્તારમાં રેલવેની દીવાલ ધસી પડતાં બેનાં મોત, ત્રણ ઘવાયા

Social Share

અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દીવાલ એકાએક ધસી પડતા અફડા-તફડી મચી ગઈ હતી. અને દીવાલના કાટમાળમાં પાંચ જણા દબાયા હતા. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને દટાયેલા પાંચેયને બહાર કાઢ્યા હતા, જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે રેલવે યાર્ડની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ વર્ષો જૂની હતી, જ્યાં ફૂટપાથ ઉપર મૃતક સિદ્દીક પઠાણ પોતાનું ગેરેજ ચલાવતો હતો. મૃતક માનસિંગ જાટ રેલવે યાર્ડમાં ટ્રકનો ડ્રાઇવર હતો અને ત્યાં ગેરેજ પાસે બેઠો હતો, તે દરમિયાન અચાનક જ આ દીવાલ ધરાશાયી થઈ હતી અને તમામ લોકો દટાયા હતા. ઉભેલા અન્ય લોકોને પણ ઇજાઓ થઈ હતી. અસારવા રેલવે યાર્ડ નજીક રેલવેની કામગીરી ચાલી રહી હતી. જેની માટી ત્યાં નાખવામાં આવતી હતી. જે માટી વધારે દીવાલ તરફ આવી જતા દીવાલ ધસી પડી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા દીવાલ ધરાશાયી થવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, દીવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને આ લોકો દીવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગે હજી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડની ટીમ હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો છે કે કેમ તે અંગે સર્ચ ઓપરેશન કરવાની કામગીરી કરી રહી છે. આ બનાવમાં મૃતકોનાં નામ માનસિંગ જાટ (ઉં.વ.55), અને સિદ્દીક પઠાણ (ઉં.વ. 40) હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, અસારવા વિસ્તારમાં બેઠક નજીક દાદા હરિની વાવ પાછળ જે રેલવે પેરેલલ દીવાલ આવેલી છે તે ધરાશાયી થઈ છે અને કેટલાક માણસો દબાયા છે. જેથી ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. જોકે ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં જ સ્થાનિક લોકો દીવાલ નીચે જે દબાયા હતા તેમને બચાવવાની શરૂઆત કરી દીધી હતી.