Site icon Revoi.in

ગુજરાતમાં એટીએમમાં ચોરી કરતી ગેન્ગના બે શખસો રાજકોટથી પકડાયા, 10 ગુનાનો ભેદ ઉકેલાયો

Social Share

રાજકોટ:  શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એટીએમ તોડીને ચોરી કરતી ગેન્ગના બે શખસોને પકડી લેવાયા છે. રાજકોટ સુરત વડોદરા તેમજ મોરબી જિલ્લામાં એટીએમ તોડીને રૂપિયાની ચોરી કરતી ગેંગના બે સભ્યોને ચોરાયેલી મોટરસાયકલ સાથે દબોચી લેવાયા હતા. બન્ને શખસોના નામ બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ (ઉવ.34) અને દિનેશ ભાટી (ઉવ.30) હોવાનું જાણવા મળ્યું છે. બંને વ્યક્તિઓ મૂળ રાજસ્થાનના વતની છે. ગેન્ગના અન્ય આરોપીઓ બહાદુર તેમજ સુરજ ચૌહાણની શોધખોળ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા તસ્કર બેલડી ATM ચોરીને અંજામ આપતા હતા. ATMમાં રૂપિયા ઉપાડવામાં આવ્યા બાદ મશીનમાં એક પ્લેટ લગાવી ચોરી કરવા માટે નવી ટેક્નિક અપનાવતા હતા. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસ આધારે રાજસ્થાની બેલડીને ઝડપી પાડી 10 ગુનાના ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓએ રાજકોટ ઉપરાંત ભરૂચ, સુરત અને વડોદરા સહીત શહેરોમાં 10 ગુનાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે.

આરોપીઓ દ્વારા દસ દિવસ પૂર્વે સુરત ખાતે અલગ અલગ જગ્યાએ પાંચ જેટલા એટીએમ મશીનમાં નુકસાન કરી રૂપિયા ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. તો સાથે જ બે જેટલા એટીએમમાંથી રૂપિયાની ચોરી પણ કરી હતી. જ્યારે કે દસ દિવસ પૂર્વે વડોદરામાં ત્રણ જેટલા એટીએમમાં નુકસાન કરી ચોરીની કોશિશ કરી હતી. તેમજ સાત ડિસેમ્બરના રોજ ટંકારાના મોરબી ખાતે એક એટીએમમાં નુકસાન કરી ચોરી કરવામાં આવી હતી. તેમજ અઠવાડિયા પૂર્વે ટંકારા પેટ્રોલ પંપ પાસે આવેલા એટીએમમાં નુકસાન કરી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો સાથે જ 25 દિવસ પૂર્વે વાંકાનેર ખાતે એટીએમમાં નુકસાન કરી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.