Site icon Revoi.in

લીંબડીના બળોલ ગામના તળાવમાં સગીર વયના બે પિતરાઈ ભાઈઓના ડુબી જતાં મોત

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં  પડેલી ભેંસોને બહાર કાઢવા જતાં બે સગીર વયના પિતરાઇ ભાઇઓના ડૂબી જતાં મોત નિપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામનો 15 વર્ષીય હર્ષદ બચુભાઈ ડાંગર અને તેનો 13 વર્ષીય પિતરાઇ ભાઇ પ્રવીણ મીઠાભાઈ ડાંગર ગુરૂવારે બપોરના ટાણે ગામના તળાવમાં પોતાની ભેંસો કાઢવા માટે ગયા હતા.  દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બંને ભાઇઓ તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને તુરંત પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને બંનેના મૃતદેહ કાઢ્યા હતા. બાદમાં બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા હતા. બંને પિતરાઇ ભાઇઓના અકાળે મોત થતાં પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનોના રોકકળ અને આક્રાંદથી વાતાવરણમા ગમગીની છવાઈ જવા પામી હતી. મડતકના નામ હર્ષદભાઈ બચુભાઈ ડાંગર (ઉંમર વર્ષ15) અને

પ્રવીણભાઈ મીઠાભાઈ ડાંગર (ઉંમર વર્ષ 13) હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. ગુજરાતમાં ડુબવાથી મોતના બનાવો વધતા જાય છે. હજી બે દિવસ અગાઉ જ ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરો, નદી, તળાવોમાં જૂબી જતાં રાજ્યમાં અલગ અલગ બનાવોમાં 13 લોકોના મોત થયા હતા.જેમાં  ખેડા, ભાવનગર, બનાસકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં કુલ 13 લોકોના મોત થયા હતા. જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા હતા. ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા હતા. પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા હતા. મહીસાગરના વિરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું હતું. વલસાડની પાર નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. કડીની લુણાસણની કેનાલમાં ડૂબી જતા બે યુવક મોતને ભેટ્યા હતા. જ્યારે કલોલની ઉનાલી કેનાલમાં ડૂબી જતાં એકનું મોત થયું હતું.