Site icon Revoi.in

પાકિસ્તાનમાં આતંકી હુમલામાં દરરોજ બે સૈનિકોના થાય છે મોત, અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

ઈસ્લામાબાદ, 2 જૂન 2026: પાકિસ્તાનમાં આતંકવાદીઓ દરરોજ સરેરાશ બેથી વધુ સૈનિકોની હત્યા કરી રહ્યા હોવાનો એક ચોંકાવનારો ખુલાસો સ્થાનિક થિંક ટેંકના અહેવાલમાં થયો છે. ‘પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ’ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા અહેવાલ મુજબ, માત્ર મે 2026 ના મહિનામાં જ આતંકવાદીઓએ 68 પાકિસ્તાની જવાનોની ઘાતકી હત્યા કરી દીધી છે. આ હુમલાઓ દરમિયાન 71 સામાન્ય નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 37 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તાજેતરમાં જ ગુપ્ત માહિતીના આધારે આતંકીઓની કમર તોડી નાખવાનો દાવો કર્યો હતો, પરંતુ આ આંકડાઓએ સેનાના દાવાઓની પોલ ખોલી દીધી છે.

અહેવાલ અનુસાર, માર્ચ અને એપ્રિલ મહિનામાં પ્રમાણમાં શાંત રહેલા આતંકવાદીઓએ મે મહિનામાં ફરી એકવાર હિંસાનો દોર તેજ કર્યો હતો. સમગ્ર પાકિસ્તાનમાં કુલ 128 આતંકી હુમલા નોંધાયા હતા, જેમાં ચાર મોટા આત્મઘાતી (સુસાઇડ) બ્લાસ્ટનો પણ સમાવેશ થાય છે. મે 2026 ના મહિનામાં પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર તરીકે સામે આવ્યો છે. આ પ્રાંતમાં એક જ મહિનામાં 71 આતંકી હુમલા નોંધાયા છે, જે એપ્રિલ મહિનાના 34 હુમલાની સરખામણીએ 109 ટકાનો મોટો અને ચિંતાજનક ઉછાળો દર્શાવે છે. બલૂચિસ્તાન બાદ ખૈબર પખ્તુનખ્વા અને રાજધાની ઇસ્લામાબાદ આતંકી હુમલાથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે.

હુમલાઓ ઉપરાંત બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ અપહરણની ઘટનાઓને પણ મોટા પાયે અંજામ આપ્યો છે. મે મહિનામાં સમગ્ર પાકિસ્તાનમાંથી અપહરણની કુલ 54 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ૫૨ ઘટનાઓ માત્ર એકલા બલૂચિસ્તાનમાં જ બની હતી, જે ત્યાંની કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવે છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેણે મે મહિનામાં ચલાવેલા વિવિધ જવાબી સૈન્ય અભિયાનો દરમિયાન 270 આતંકવાદીઓને મારી નાખ્યા છે. PICSS ના રેકોર્ડ મુજબ, સુરક્ષા દળોએ 270 આતંકીઓને ઢેર કર્યા છે અને અન્ય 15 ની ધરપકડ કરી છે, જ્યારે કેટલાક આતંકીઓએ આત્મસમર્પણ (સરન્ડર) પણ કર્યું છે.

અહેવાલની વિગતો મુજબ, સૌથી વધુ ૧૨૮ આતંકવાદીઓ પૂર્વ ફાટા ક્ષેત્રમાં માર્યા ગયા છે. આ સિવાય ખૈબર પખ્તુનખ્વાના અન્ય ભાગોમાં 62 અને બલૂચિસ્તાનમાં 71 આતંકીઓનો સફાયો કરાયો છે, જ્યારે પંજાબ પ્રાંતમાં સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અત્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને અલ-કાયદા જેવા ખતરનાક આતંકી સંગઠનો મોટા પાયે સક્રિય છે.

Exit mobile version