Site icon Revoi.in

અમદાવાદના શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટમાસ્તરની ઉચાપતના કેસમાં ધરપકડ,

Social Share

અમદાવાદઃ શહેરના પોસ્ટ વિભાગના એજન્ટોએ બચતકારોના નાણા ઉઠાવી લઈને કૌભાંડ આચરવાના ગુનામાં શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટ માસ્તરની પણ સંડોવણી હોવાનું જણાતા ક્રાઈમ બ્રાન્ચની ઇકોનોમિક અફેન્સ વિંગએ બન્ને પોસ્ટ માસ્તરોની ઘરપકડ કરી છે. આ  કેસમાં ખાતેદારોના નાણાંની બારોબાર ઉચાપત કરવામાં આવતી હતી અને તેમાં બન્ને સબ પોસ્ટ માસ્તર પણ સામેલ હતા.

આ બનાવ અંગે વિગતો આપતા ક્રાઈમ બ્રાન્ચના ઈકોનોમિક અફેન્સ વિભાગના એસીપી મનોજ ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે સબ પોસ્ટ માસ્તર ઉદય કુમાર દેસાઈ અને ધીરેન્દ્ર આત્મારામ નામની ધરપકડ કરી છે. આ બંન્ને આરોપીઓ અગાઉ આ ગુનામાં પકડાયેલા મુખ્ય આરોપી તેજસ શાહ અને અન્ય આરોપીઓને રોકાણકારોના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ ગારી કરતા હોવાનું સામે આવ્યું છે. રોકાણકારોએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમમાં કરેલા રોકાણની પાકતી મુદતે ક્લોઝર પ્રોસિજરમાં રોકાણકારની હાજરીની જરૂર હોય છે. તેમ છતાં પકડાયેલા આરોપીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રોકાણકારની ગેરહાજરીમાં સ્કીમની ક્લોઝર પ્રોસીજર વેરીફાઈ કર્યા વગર જ કરી દેતા હતા. ચેક તથા વિદ્રોલ ફોર્મમાં સહીઓ વેરીફાઈ નહિ કરી ચેકો પાસ કરાવીને અગાઉ પકડાયેલા આરોપીઓ રોકાણકારોના સેવિગ ખાતામાંથી બારોબાર રૂપિયા મેળવી લેતા હતા. પોલીસની તપાસમાં આ બંન્ને આરોપીઓની ભૂમિકા સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા બંને આરોપીઓ જે તે સમયે શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી આરોપી તેજસ શાહના સંપર્કમાં આવ્યા હતા. આર્થિક ગુના નિવારણ શાખાએ અગાઉ તેજસ શાહ, ગીરા શાહ, માલવ શાહ અને દર્શના ભટ્ટ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમમાં રોકાણકારોના રૂપિયા યેનકેન પ્રકારે મેળવી લેતા હતા. જેમની સામે રૂપિયા 3 કરોડ 97 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. આરોપીઓ પાસેથી પોલીસે પોસ્ટ વિભાગની કેટલીક પાસબુક પણ કબ્જે કરી હતી. હાલમાં પોલીસે પોસ્ટ ઓફિસમાં સર્ચ કરીને કેટલાક કોમ્પ્યુટર પણ કબ્જે કર્યા છે. જેને તપાસ અર્થે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

પોસ્ટ ઓફિસમાં રોકાણના નામે ઠગાઈ કરનાર પોસ્ટ ઓફિસના 2 કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેજસ શાહ એ પોસ્ટ ઓફિસનું કૌભાંડ આચર્યું હતું. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર ઉદય દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પણ EOW એ તેજસ શાહ સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. આરોપી તેજસ શાહે બંને પોસ્ટ માસ્ટરની મદદથી ખાતેદારોના નાણાં ચાઉ કર્યા હતા. કોર્ટના આદેશથી EOW દ્વારા શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં સર્ચ કરી મહત્વ પૂર્ણ પુરાવાઓ એકત્ર કર્યા હતા.