Site icon Revoi.in

પતંગની ધારદાર દોરીથી બચવા દ્વીચક્રી વાહનચાલકોએ અજમાવ્યો કિમીયો

Social Share

અમદાવાદ: ઉત્તરાણ યાને મકરસંક્રતિના પર્વને હવે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં પતંગ અને દોરાની ખરીદી જોવા મળી રહી છે. અમદાવાદ અને સુરત સહિત શહેરોમાં તો ઉત્તરાણ પહેલા અને વાસી ઉત્તરાણે ખૂબ પતંગો ચગાવવામાં આવતી હોય છે. આ ઉત્સવની ભારે આનંદોલ્લાસથી ઊજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બીજી બાજુ પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા અનેક પંખીઓ પણ ઈજાગ્રસ્ત બનતા હોય છે. એટલું જ નહીં દ્વીચક્રી વાહનોમાં જતાં ઘણા લોકો પણ ગળામાં પતંગની દોરી ભરાવવાને કારણે ઈજાગ્રસ્ત થતાં હોય અથવા ક્યારેક જીવ પણ ગુમાવવો પડતો હોય છે. ખાસ કરીને શહેરના ઓવરબ્રીજ પર વધુ તકેદારી રાખવી જરૂરી છે.

અમદાવાદમાં તો દ્વીચક્રી વાહન ચાલકો ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. એમાંય છેલ્લા કેટલાય વર્ષોથી વાહનોના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરૂઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય છે. તહેવારોની ઉજવણી મોતની સજા ન બની જાય તેના માટે ઉતરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે લોકો સજાગ થયા છે.

શહેરમાં દ્વીચક્રી વાહનો પર હવે સેફ્ટી સળીયા લગાવવામાં આવી રહ્યા છે. બાઈક કે સ્કુટર પર સળીયો લગાવવાથી પાકી દોરીથી સુરક્ષા મળે છે. બીજી બાજુ પોલીસે પણ શહેરમાં પ્રતિબંધિત અને જીવલેણ કહી શકાય તેવી ચાઈના દોરી જપ્ત કરી છે. જીવને જોખમ કારક ધારદાર દોરીઓથી બચાવવા લોકો ટુ વ્હીલર ઉપર સળીયો લગાવવા પહોંચી રહ્યા છે.  ઉત્તરાયણ દરમિયાન વાહનોના સ્ટિયરિંગ પર સળિયા લગાવવાનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. આ વર્ષે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારની ફૂટપાથો અને માર્ગને અડીને આવેલા મેદાનોમાં વાહનો પર લગાડનારા સંખ્યાબંધ લોકો વેપાર ધંધા માટે બેઠા છે. તેમના વેપારમાં એકદમ વધારો નોંધાયો છે. પહેલા ઉત્તરાયણ પૂર્વે આકાશમાં ભરચક પતંગો ચગતી હતી. જોકે આ વર્ષે પતંગો આકાશમાં નહિવત ઉડી રહી છે.