Site icon Revoi.in

કેન્દ્ર અને અસમ સરકાર સાથે ઉલ્ફાએ શાંતિ સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યાં

Social Share

નવી દિલ્હીઃ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) જૂથ અને કેન્દ્ર સરકાર તથા આસામ સરકાર વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે રાજધાની દિલ્હીમાં આયોજિત બેઠકમાં આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના ડીડીપી પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ એક ઐતિહાસિક સમજૂતી છે. આસામ અને સમગ્ર ઉત્તર-પૂર્વ ઘણા સમયથી હિંસાનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત ઉત્તર-પૂર્વ ભારતના વિઝન સાથે ચાલી રહ્યું છે. ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે થયેલી સમજૂતીને કારણે અમે આસામના તમામ સશસ્ત્ર જૂથોને અહીં ખતમ કરવામાં સફળ રહ્યા છીએ. આસામ અને પૂર્વોત્તર રાજ્યોની શાંતિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આસામ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળ અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આસામની શાંતિ પ્રક્રિયા ચાલુ છે. પ્રતિનિધિમંડળમાં ઉલ્ફાના 16 સભ્યો અને નાગરિક સમાજના 14 લોકો સામેલ છે. અગાઉ, કેન્દ્રએ એપ્રિલમાં પ્રો-ટોક જૂથને પ્રસ્તાવિત કરારનો ડ્રાફ્ટ મોકલ્યો હતો, જ્યારે ઓગસ્ટમાં નવી દિલ્હીમાં જૂથ સાથે ચર્ચાનો બીજો રાઉન્ડ યોજાયો હતો. સંગઠનના મહાસચિવ અનુપ ચેટિયાએ જણાવ્યું હતું કે, ULFAના પ્રો-ટોક જૂથનું 30 સભ્યોનું પ્રતિનિધિમંડળ શાંતિ સમજૂતી માટે મંગળવારે દિલ્હી પહોંચ્યું હતું. અગાઉ, આસામના મુખ્ય પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, શુક્રવારે ગૃહ પ્રધાન અમિત શાહ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા) ના પ્રતિનિધિઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.