Site icon Revoi.in

પાલનપુરમાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 3થી 6 વર્ષના ભૂલકાંના મેળામાં બાળકો ઉમટી પડ્યાં

Social Share

પાલનપુરઃ  પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને તેનું આંકલન ડેવલપમેન્ટ એસેસમેન્ટ કરી વાલીને તે અંગે જાણકારી આપી બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવાના હેતુસર તમામ જિલ્લાઓમાં 3થી 6 વર્ષના બાળકો માટે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે જિલ્લાકક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ભૂલકાં મેળામાં 3થી 6 વર્ષના આંગણવાડીના 100 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ‘પા પા પગલી’ યોજનાના ડિસ્ટ્રિક્ટ અને બ્લોક પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી 17 જેટલી વિવિધ થીમ પ્રમાણે ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનાવી બાળકોને રમત-ગમત સાથે સરળતાથી જ્ઞાન આપવાની રચનાત્મક પ્રવૃત્તિઓ કરાઈ હતી.બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલા આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવવાના સાધનો તેમજ રમતો દ્વારા પ્રદર્શનરૂપે બાળકોને પર્યાવરણ, વીજળી, પાણી, વૃક્ષારોપણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ ભૂલકા મેળો બાળકોને ‘ગમ્મત સાથે જ્ઞાન’નું ઉત્તમ દ્રષ્ટાંત બન્યો હતો. આ પ્રસંગે બાળકો અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરોને પ્રોત્સાહન સ્વરૂપે બેગ તેમજ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

ડિસ્ટ્રિક્ટ પ્રી-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર રોહિત સેવકે જણાવ્યું હતું. કે બાળકના સર્વાંગી વિકાસ અને ડેવલપમેન્ટ એસેસમેન્ટ અંગે વાલીઓ માહિતી મેળવી ઘરમાં તે અંગેનું વાતાવરણ પૂરું પાડે, આંગણવાડી કાર્યકર બહેનો ડેવલપમેન્ટ એસેસમેન્ટ અને અભ્યાસક્રમ આધારીત શીખવા-શીખવવાની સામગ્રી અંગે માહિતી મેળવે અને તેના યોગ્ય ઉપયોગની સમજણ મેળવે, બાળકોના મુક્ત આનંદ અને સર્વાંગી વિકાસમાં ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓનો અનુભવ મળે તેમજ બાળકોને આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય તે ઉદ્દેશો સાથે ભૂલકાં મેળા યોજવામાં આવે છે.