Site icon Revoi.in

રાજકોટના 28 વિસ્તારમાં જાન્યુઆરી 2026 સુધી અશાંતધારાનો થશે અમલ

Social Share

–       રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંકરસંક્રાતિ બાદ લેવાયો નિર્ણય

–       રાજકોટમાં પ્રથમવાર અશાંત ધારાનો કાયદો થયો લાગુ

–       હવે આ વિસ્તારોમાં મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાય રહે તે માટે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોના અનેક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મકાન ખરીદ-વેચાણ પૂર્વે કલેકટરની મંજૂરી લેવી ફરિયાત છે. હવે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગે મકર સંક્રાતિ બાદ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા અને મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કર્યો છે. જે મુજબ 28 જેટલી સોસાયટી વિસ્તારને સમાવિષ્ટ કરતું નોટિફિકેશન બહાર પાડતા ચકચાર જાગી છે. આ વિસ્તારમાં હવે મિલકતના ખરીદ-વેચાણ કરતા પૂર્વે જીલ્લા કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે.

પ્રાપ્ત જાણકારી મુજબ, આ 28 વિસ્તારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 2માં આવેલા ભાગમાં છે. અશાંત ધારાનો કાયદો આ વિસ્તારમાં 12 જાન્યુઆરી 2026 સુધી લાગુ રહેશે. આ પ્રથમવાર છે જ્યારે રાજકોટ શહેરમાં આ પ્રકારના કાયદાને લાગુ કરવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહ વિભાગના 13 જાન્યુઆરીના નોટિફિકેશન અનુસાર, ગુજરાત સરકારનો અભિપ્રાય છે કે ટોળાની હિસાના રમખાણોને કારણે ઉક્ત વિસ્તારોમાં જાહેર વ્યવસ્થા નોંધપાત્ર સમય માટે ખોરવાઇ ગઇ હતી.

આ જાહેરનામા અનુસાર, અશાંત ધારો લાગુ થયા બાદ આ વિસ્તારની જમીન કે અન્ય સંપતિઓના માલિક પોતાની સંપત્તિ વેચતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવાની અનિવાર્ય રહેશે. રાજ્યના નાગરિકોની સલામતી તેમજ સુરક્ષા પૂરી પાડવાના હેતુસર અશાંત ધારો કાયદો લાવવામાં આવ્યો હતો.  જે અંતર્ગત અશાંત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં જીલ્લા અધિકારીની મંજૂરી વિના કોઇપણ એક ધર્મના સભ્યો દ્વારા અન્ય ધર્મના સભ્યોને સંપત્તિ વેચવા પર રોક લગાવવામાં આવી છે.

(સંકેત)

Exit mobile version