Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ રાજધાની લખનૌનું નામ બદલીને લક્ષ્મણજી પરથી કરાય તેવી એટકળો

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના આગમાન બાદ અનેક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. હવે રાજધાની લખનૌનું નામ બદલવાની અટકળો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સીએમ યોગીએ કરેલા ટ્વીટને પગલે લખનૌનું નામ બદલવાની અટકળોને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટમાં લખ્યું, ‘શેશાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પવિત્ર નગરી લખનઉમાં આપનું સ્વાગત છે.

સીએમ યોગીએ અમૌસી એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતી વખતે લીધેલા ફોટોને ટેગ કરીને આ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ બાદ સવાલ ઉઠવા લાગ્યો છે કે લખનૌનું નામ લક્ષ્મણજીના નામ પર રાખવામાં આવી શકે છે. આ અટકળો એટલા માટે પણ લગાવવામાં આવી રહી છે કારણ કે અગાઉ લખનૌનું નામ બદલીને લખનપુરી, લક્ષ્મણપુરી અને લખનપુર કરવાની માંગ ઉઠી છે. યોગી સરકાર આ પહેલા પણ ઘણી જગ્યાઓના નામ બદલી ચૂકી છે. અલ્હાબાદ અને ફૈઝાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા કરવામાં આવ્યું છે.

જોકે, મુખ્યમંત્રીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જ તસવીર સાથે કરવામાં આવેલા ટ્વિટની ભાષા બદલાઈ ગઈ છે. આ ટ્વીટમાં તેણે લખનૌના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વાગત વિશે લખ્યું છે.