Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ મૈનપુરીમાં ખોદકામ વખતે 4000 વર્ષ તાંબાના જૂના હથિયારો મળ્યાં

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ખેતરમાં ખોદકામ વખતે જમીનમાંથી તાંબાના જૂના હથિયારો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ હથિયાર 100-200 કે 500 નહીં પરંતુ 4 હજાર વર્ષ જૂના હોવાનું મનાઈ રહ્યું છે. આ હથિયારો દ્રાપર યુગના હોવાનું જાણકારો માની રહ્યાં છે.

મૈનપુરીના કુરાવલી વિસ્તારના ગણેશપુરના ખેડૂત બહાદુરસિંહ ફૌજી જેસીબીથી ખેતરમાં ટેકરાને સમતળ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન જમીનમાંથી તાંબાની તલવારો સહિત ઘણા હથિયારો મળ્યા હતા. આ બનાવની જાણ થતા ભારતીય પુરાતત્વ વિભાગ અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ હથિયારોની સંખ્યા લગભગ 39 હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખેડૂત બહાદુરસિંહ ફૌજીને આ હથિયારો ખોદકામ દરમિયાન મળ્યા તો તેઓ તેને સોના અને ચાંદીની કિંમતી વસ્તુઓ માનીને ઘરે લઈ ગયા હતા. આ પછી જ્યારે સ્થાનિક લોકોને આ ઘટનાની જાણકારી મળી તો તેઓએ પોલીસને જાણ કરી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે જપ્ત કરાયેલા તાંબાના શસ્ત્રો 4000 વર્ષ જૂના હોઈ શકે છે અને તે દ્વાપર યુગના છે.

તાંબાના હથિયારોમાં તલવારો, ભાલા, કંથા, ત્રિશૂળ અને અન્ય શસ્ત્રોનો સમાવેશ થાય છે. આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ ડો. રાજકુમાર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે આ તમામ તાંબાના શસ્ત્રો ઈ.સ. 1800 પૂર્વેના લાગે છે. યુપીમાં એટા, મૈનપુરી, આગ્રા અને ગંગાનો પટ્ટો આ પ્રકારની આમલીની સંસ્કૃતિના વિસ્તારો છે. પુરાતત્વ વિભાગની ટીમ હવે વધુ એક વખત સ્થળનું નિરીક્ષણ કરવા જશે.