Site icon Revoi.in

ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરાતી નથી, રજુઆતો છતાંયે સરકાર નિષ્ક્રિય

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને 45 દિવસ વિતિ ગયા છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી નથી. એટલે વિદ્યાર્થીઓના ભણતરને માઠી અસર પડી રહી છે. શાળાને સંચાલકોએ સરકારને અગાઉ અનેકવાર રજુઆતો કર્યા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. ગ્રાન્ટેડ સ્કૂશાળાઓના સંચાલકોની અનેક રજૂઆત અને માંગણીઓ છે, જે પૂરી થાય તો શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઓછા ખર્ચે સારી રીતે ભણી શકે પરંતુ, અનેક રજૂઆત છતાં સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, જેને લઈને હવે ગુજરાત રાજ્ય શાળા સંચાલક સંયોજક સમિતિ દ્વારા આગામી દિવસમાં કોઈ નિર્ણય કરવામાં ન આવે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 45 દિવસ વિતી ગયા છે. પરંતુ,  ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે કેટલીક શાળાઓ એકલદોકલ શિક્ષક પર ચાલે છે. જુના મહેકમ મુજબ સુધારો કરી બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની જરૂર છે. ઉચ્ચતર માધ્યમિક સ્કૂશાળાઓમાં ગ્રંથપાલ,પ્રાયોગિક શિક્ષકો, ઉદ્યોગ શિક્ષકો વગેરે કર્મચારીઓની ઘટ છે. બે વર્ગોવાળી સ્કૂલોમાં આચાર્ય સહિત ચાર શૈક્ષણિક કર્મચારીઓ મળે છે.  ચોથી જગ્યા હજુ ખાલી છે.ધોરણ 9 થી 12 માં શાળાઓમાં વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યા ઓછામાં ઓછી 25 અને વધુમાં વધુ 42 શહેરી વિસ્તારમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ 42 અને ઓછામાં ઓછી 18 રાખવા માંગણી કરવામાં આવી હતી. ભારતના બંધારણ મુજબ લઘુમતી શાળાઓને મળતી છૂટછાટ આપવા માટે માંગણી કરવામાં આવી હતી. ગ્રાન્ટેડ સ્કૂલોમાં બે દાયકાથી કોમ્પ્યુટરની ફી ₹50 છે જેમાં વધારો કરવા માટે માંગણી કરવામાં આવી હતી. આમ આવા પડતર પ્રશ્નોને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છે.પરંતુ તેનો કોઈ નિકાલ થતો નથી જેના કારણે ધીમે ધીમે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવા જઈ રહી છે. જેથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક સંયોજક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આ માંગણીઓ ટૂંક સમયમાં પૂરી કરવામાં ન આવે તો શિક્ષણ અને વિદ્યાર્થીના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

Exit mobile version