Site icon Revoi.in

વડોદરા મ્યુનિ.કોર્પોરેશને એક વર્ષમાં રખડતા ઢોર પકડવા માટે 2.75 કરોડનો ખર્ચ કર્યો

Social Share

વડોદરા: શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા વર્ષે દહાડે રખડતા ઢોર પકડવા માટે અઢળક ખર્ચ કરાતો હોવા છતાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો પોતાના પશુને છોડાવવા માટે આવતા નથી, એટલે પશુઓને સાચવવાનો ખર્ચ વધી જતો હોય છે.

વડોદરા કોર્પોરેશને રખડતાં ઢોરોને પકડવા અને તેની જાળવણી કરવા છેલ્લા એક વર્ષમાં 2.75 કરોડનો અધધ ખર્ચ કર્યો, છતાં આજે પણ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે. છેલ્લા એક વર્ષથી વડોદરા મ્યુનિ.કોર્પોરેશન રખડતાં પશુઓના કારણે સતત વિવાદમાં આવી રહી છે, જોકે વિવાદના સિલસિલા વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના એક સામાજિક કાર્યકરે રખડતાં ઢોર મામલે RTI કરીને માહિતી માગી હતી. જેમાં મ્યુનિ.એ જવાબ આપ્યો કે  મ્યુનિ.કોર્પોરેશ દ્વારા  વર્ષ 2021-22માં શહેરમાંથી 4638 પશુઓને પકડવામાં આવ્યા હતા. જેના દંડની 32 લાખ રૂપિયાની આવક થઈ છે, જ્યારે 2.75 કરોડનો ખર્ચ થયો હતો. ત્યારે રખડતાં ઢોરને પકડવાનો અને તેની જાળવણીનો ખર્ચ અધધ કહી શકાય તેવો થયો છે.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશને એક પશુ પકડવાનો ખર્ચ 6000 રૂપિયા પડ્યો છે, તેમ છતાં શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈ મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો પણ રખડતાં ઢોરોનો ત્રાસ વધ્યો હોવાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. જોકે સ્ટેન્ડિંગ ચેરમેને રખડતાં ઢોર મામલે મ્યુનિ કોર્પોરેશન સઘન કામગીરી કરી રહી હોવાનો દાવો કર્યો હતો. તેમ છતાં પશુઓ રખડતાં જોવા મળે છે તે હકીકત છે તેવો સ્વીકાર પણ કર્યો હતો. વડોદરા શહેરમાં રખડતા પશુઓને પકડવામાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ. મ્યુનિ. કોર્પોરેશને રખડતાં ઢોર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે તે એક વાસ્તવિકતા છે.