Site icon Revoi.in

વડોદરાઃ મહેસુલ મંત્રીએ મામલતદાર કચેરીની ઓચિંતી લીધી મુલાકાત, અધિકારીઓનો લીધો ક્લાસ

Social Share

અમદાવાદઃ ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સરકારી કામગીરીમાં પારદર્શિકાને લઈને અવાર-નવાર મામલતદાર કચેરીની મુલાકાત લે છે. એટલું જ નહીં સરકારી કચેરીમાં કામગીરીનું નિરીક્ષણ કરે છે. દરમિયાન આજે તેમણે વડોદરાના માંજલપુર મામલતદાર કચેરીની ઓચિંતીની મુલાકાત લીધી હતી. મહેસુલ મંત્રીની મુલાકાતમાં જંત્રીની વિસંગતા સામે આવી હતી. તેમજ 10 કરોડનું સરકારી તિજોરીને નુકસાન થયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે માંજલપુર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેથી સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેબિનેટ મંત્રીની મુલાકાત દરમિયાન જંત્રીની વિસંગતા સામે આવી હતી. જેથી સરકારને રૂ. 10 કરોડ જેટલુ સરકારને નુકસાન થયાનું સામે આવ્યું છે. 3 ગામમાં જંત્રીની વિસંગતા સામે આવી હતી. રૂ. 6500ને બદલે 2500 જેટલી જંત્રી વસુલવામાં આવતી હતી. કેબિનેટ મંત્રીએ સરકારી કચેરીના અધિકારીઓનો ક્લાસ લઈ લીધો હતો. તેમજ છ વર્ષના દસ્તાવેજની તપાસ કરવાની સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ થોડા દિવસ પહેલા જ દહેગામમાં મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સરકારી અધિકારી-કર્મચારીઓને અરજદારને યોગ્ય જવાબ આપવાની સાથે તેમની અરજીના ઝડપથી નીકાલની તાકીદ કરી હતી.