Site icon Revoi.in

વડોદરાના વેપારીએ બીટકોઈન ખરીદવાના ચક્કરમાં 15 લાખ ગુમાવ્યા

Social Share

વડોદરાઃ ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધતા જાય છે. લોભ-લાલચમાં આવીને ભણેલા-ગણેલા પણ છેતરાઈ રહ્યા છે.  વડોદરા શહેરમાં એક વેપારીને બીટકોઈન ખરીદવાની લાલચ ભારે પડી હતી. બિટકોઈન ખરીદવા માટે ઓનલાઈન પેમેન્ટ કરનારા વેપારીએ 15 લાખ ગુમાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પર રહેતા સિનિયર સિટીઝનને પશ્ચિમ બંગાળના રહેવાસીએ બિટકોઈન વેચવાના બહાને છેતરપિંડી કરી હતી. ભોગ બનનારા રમણલાલ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું કે આ કૌભાંડમાં તેમણે 15 લાખ રૂપિયા ગુમાવ્યા છે. રમણલાલ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ જ્યારે તેઓ ગુગલ પર ફંડિગ માટે સર્ચ કરી રહ્યા હતા ત્યારે તેમને વિવિધ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ જોવા મળી હતી. તેમણે એબીઓએમ ઑફશોર નામની કંપની પર ક્લિક કર્યું જે બિટકોઈન્સ અને ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરતી હતી. રમણલાલ એક બિઝનેસમેન છે, તેમણે ફર્મના માલિક અમૃતેન્દુ ભટ્ટાચાર્યનો સંપર્ક કર્યો જેણે ફરિયાદીને બિટકોઈન્સમાં રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ભટ્ટાચાર્યએ શાહને જણાવ્યું હતું કે બિટકોઈન્સમાં રોકાણ કરવાથી તેમને સારો નફો મળશે જેના પગલે ફરિયાદીએ રોકાણ કરવાનું નક્કી કર્યું. શાહે 2020માં ભટ્ટાચાર્યને તેના અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા રૂ. 15 લાખ ચૂકવ્યા હતા. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને માત્ર રૂ. 80,000ના બિટકોઇન્સ આપવામાં આવ્યા હતા અને બાદમાં આરોપીએ ન તો કોઇ બિટકોઇન્સ ટ્રાન્સફર કર્યા હતા કે ન તો તેમના પૈસા પાછા ચૂકવ્યા હતા.

સમગ્ર મામલે સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, કંપનીનું સરનામું પશ્ચિમ બંગાળમાં છે. તેથી આરોપી ત્યાંનો છે કે તેણે નકલી સરનામું આપ્યું છે તે જાણવા માટે અમે એક ટીમ પશ્ચિમ બંગાળ મોકલીશું. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આવા બિટકોઈન સંબંધિત કૌભાંડો વધી રહ્યા છે જેમાં કેટલીક ટોળકી સસ્તા દરો માટે ક્રિપ્ટોકરન્સીનું વચન આપે છે અને પીડિતો પાસેથી પૈસા પડાવી લે છે.