Site icon Revoi.in

વંદે ભારત ટ્રેનને ફરીવાર નડ્યો અકસ્માત, વાપી નજીક પશુની ટક્કરથી એન્જિનને થયું નુકશાન

Social Share

વાપીઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાના બનાવો ફરી વાર બન્યા છે. વંદેભારત ટ્રેનના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પાંચમીવાર વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનની વચ્ચે પશુ આવી જતા મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ પાસે થોભાવી હતી. જેથી ટ્રેન થોડી વાર રોકી દેવાઈ હતી. ત્યારબાદ  સામાન્ય મરામત કરીને ટ્રેન રવાના કરાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ વંદેભારત ટ્રેનને આ પહેલા ચાર અકસ્માત નડ્યા હતા, જ્યારે હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે. આ સાથે હવે વંદેભારત ટ્રેનના અકસ્માતના બનાવો 5 થયા છે. દરેક વખતે વંદેભારત ટ્રેનને પશુઓ અડફેટે આવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં રખડતા ઢોર કેટલા બેકાબૂ બન્યા છે. સંજાણ નજીક વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાતા ટ્રેનના એન્જિનને નુકશાન થયું હતું. ટ્રેનને થંભાવી દઈને એન્જિંનની મરામત કર્યા બદા ટ્રેનને મુંબઈ જવા માટે રવાના કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે.  તો ત્રીજા અકસ્માતમાં વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન થયું હતું. (file photo)