Site icon Revoi.in

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે રૂ. 11 હજારમાં જ થશે વેદોકત પુરાણોકત લગ્‍નઃ તમામ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે

Social Share

વેરાવળઃ દેશ-વિદેશના લોકો હવે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે ફકત રૂ.11 હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્‍ન કરી શકશે. લગ્‍નવિઘિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિઘા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ઉપલબ્‍ઘ કરાવશે. આ સુવિઘાથી આગામી દિવસોમાં યાત્રાઘામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટીનેશન બની રહેશે.

યાત્રાધામ સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં હવે માત્ર રૂપિયા 11 હજાર ભરી લગ્ન કરી શકાશે. વર્તમાન સમયમાં લગ્‍ન પ્રસંગોનો ખર્ચ સામાન્‍ય અને મઘ્‍યમ વર્ગની પરવડતો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્‍ટીનેશનનો ક્રેઝ વઘી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્‍યાત ઘાર્મિક સ્‍થળોએ લગ્‍ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્‍યારે વર્તમાન પરિસ્‍થ‍િતિ અને ચલણને ઘ્‍યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્રારા એક નવો મઘ્‍યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય કર્યો છે.

આ અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, સોમનાથ સાંનિઘ્‍યે કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્‍ન મંડપ હોલ સાથેનું અઘતન ટુરિસ્‍ટ ફેસેલીટી કેન્‍દ્ર બનાવવામાં આવેલ છે. જેમાં કોઇપણ નાગરિક લગ્‍નપ્રસંગ કરી શકે તેવું આયોજન ટ્રસ્‍ટએ કર્યુ છે. જેના માટે રૂ.11 હજાર રકમ ભરશે એટલે ટ્રસ્‍ટ દ્રારા વેદોક્ત પુરાણોકત રીતે લગ્‍ન વિઘિ કરાવી આપશે. વઘુમાં લગ્‍નવિઘિ માટે સુશોભિત આઘુનિક લગ્‍ન હોલ, સ્‍ટેજ, ચોરી, મહારાજ, ખુરશી, લગ્‍નવિઘિની સામગ્રી, મહેમાનો માટે ખુરશીની વ્‍યવસ્‍થા, હાર-તોરણ, લગ્‍નછાબ, 50 ફોટોગ્રાફસ અને તેની સીડી, સંસ્‍થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્‍યા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઇ, ખેસ, અંતરપટ જેવી સુવિઘાઓ ટ્રસ્‍ટ દ્રારા આપવામાં આવશે. આ સાથે પાલિકાનું લગ્‍ન નોંઘણી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સુવિઘા બાદ આગામી દિવસોમાં યાત્રાઘામ સોમનાથ વેડીગ ડીસ્‍ટીનેશન તરીકે પ્રખ્‍યાત થશે.