Site icon Revoi.in

વીરબાળ દિવસઃ દેશ અને સંસ્કૃતિના રક્ષણ કાજે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું હતું

Social Share

આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા કરવા માટે પ્રાણની આહુતિ આપવાની આ ઘટના મિસાલ બની ગઈ છે. સિખ નાનકશાહી કેલેન્ડર અનુસાર 20 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી શહીદ સપ્તાહ ઊજવવામાં આવે છે. ગુરુદ્વારાથી ઘર સુધી મોટા સ્તરે કીર્તન પાઠ કરવામાં આવે છે. આ દરમિયાન બાળકોને ગુરુસાહિબના પરિવારની શહાદત વિશે જણાવવામાં આવે છે.

બંને ભાઈઓ બાબા જોરાવરસિંહજી અને બાબા ફત્તેહસિંહજીને દીવાલમાં જીવતા ચણવામાં આવી રહ્યા હતા. દરમિયાન બાબા જોરાવરસિંહની આંખમાંથી આંસુ સરી પડે છે. આ જોઈ બાબા ફત્તેહસિંહ કહે છે, “શું મોટાભાઈ મૃત્યુથી ડરી ગયા ?” તેના જવાબમાં બાબા જોરાવરસિંહ કહે છે, “ના, હું ક્યારેય મૃત્યુથી ડરુ નહીં.”  ત્યારે બાબા ફત્તેહસિંહ કહે છે, “તો મોટાભાઈ ! તમારી આંખોમાંથી આંસુ કેમ ?,  તે સમયે બાબા જોરાવરસિંહ કહે છે કે, “મારા વ્હાલા ભાઈ, હું તારાથી ઉંમરમાં મોટો છું. આજે દેશ-ધર્મ-સમાજ-સંસ્કૃતિના રક્ષણ કાજે પ્રથમ મારું બલિદાન થવું જોઈતું હતું. પરંતુ આજે જુઓને પ્રથમ બલિદાન તમારું થઈ રહ્યું છે.” ફત્તેહસિંહ મોટાભાઈની વ્યથાને સમજી મનોમન મોટાભાઈની અદ્વિતીય ભાવનાને ગર્વ સાથે વંદન કરે છે.

બાબા જોરાવરસિંહ અને બાબા ફત્તેહસિંહના દાદાજી શ્રી ગુરુ તેગબહાદુરજી એ દેશ-ધર્મ-સમાજ-સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપ્યું હતું, તેમના પિતાજી શ્રી ગુરુ ગોવિંદસિંહજી એ પણ દેશ-ધર્મ-સમાજ-સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપ્યું હતું અને તેમના બંને મોટાભાઈ બાબા અજીતસિંહ અને બાબા જુઝારસિંહે પણ દેશ-ધર્મ-સમાજ-સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપ્યું હતું. એક જ પરિવારની દેશ-ધર્મ-સમાજ-સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાનની ગાથા અદ્વિતીય અદભુત છે.