Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લાના બે ડેપ્યુટી DDO સહિત અધિકારીઓ વાહન ખર્ચ સ્વભંડોળમાંથી નહીં કરી શકે

Social Share

ગાંધીનગરઃ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં બે ડેપ્યુટી ડીડીઓ અને હિસાબ અધિકારીના વાહનનો ખર્ચ હવેથી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ન આપવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. પંચાયત ધારામાં જોગવાઈ નહીં હોવા છતાં બે ડેપ્યુટી ડીડીઓ અને હિસાબી અધિકારીના વાહનનો ખર્ચ સ્વભંડોળમાં પાડવામાં આવતા તેનો વિરોધ વિપક્ષના નેતા કર્યો હતો. જેને શાસક પક્ષે મંજુર રાખીને આ ત્રણેય અધિકારીઓને મળતા વાહન ભાડાનો ખર્ચ સ્વભંડોળમાં નહીં કરવાનો શાસક અને વિપક્ષે સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ ઠરાવને પગલે સભામાં ઉપસ્થિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં વિપક્ષના નેતા અજીતસિંહ રાઠોડે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે,  જિલ્લા વિકાસ અધિકારી સિવાય અન્ય કોઈપણ અધિકારીને ગાડીની સેવાનો ખર્ચ સ્વભંડોળમાં કરવાની જોગવાઈ  નથી.. જિલ્લા પંચાયતના બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ, આઈસીડીએસ, સિંચાઈ સહિતના વિભાગના અધિકારીઓને ગાડીનું સુવિધા મળે છે. પરંતું અધિકારીઓની ગાડીનો ખર્ચ જે તે ડિપાર્ટમેન્ટ કરતો હોય છે. પરંતુ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પંચાયતના બે ડેપ્યુટી ડીડીઓને તેમજ હિસાબી અધિકારીને મળવા પાત્ર ગાડીનો ખર્ચ સ્વભંડોળમાં પાડી શકાય નહીં. તેમ છતાં ઉપરોક્ત ત્રણેય અધિકારીઓની ગાડીનો ખર્ચ સ્વભંડોળમાં કરવામાં આવતો હોવાથી તેનો વિપક્ષના નેતાએ વિરોધ કર્યો હતો. આથી આ ત્રણે અધિકારીઓને ગાડીની સુવિધા જોઈતી હોય તો તેઓના વિભાગમાં ખર્ચ પાડે તેવી માંગણી સાથે ઠરાવ કરવાની માંગણ વિપક્ષના નેતાએ કરી હતી. જોકે વિપક્ષની માંગને શાસક પક્ષના પ્રમુખ સહિત તમામ સદસ્યોએ માન્ય રાખીને બે ડેપ્યુટી ડીડીઓ અને હિસાબી અધિકારીને આપવામાં આવતી ગાડીઓનો ખર્ચ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં નહીં કરવાનો ઠરાવ પસાર કરતાં શાસક અને વિપક્ષે સર્વાનુમતે મંજૂર રાખ્યો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આવા ઠરાવને પગલે ઉપસ્થિત અન્ય અધિકારીઓમાં પણ સોંપો પડી જવા પામ્યો હતો.