Site icon Revoi.in

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થાઃ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવ

Social Share

અમદાવાદઃ ગુજરાતના કેવડીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં ડાયરેકટર જનરલ સુભાષ ચંદ્રા, કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં એડીશનલ ડાયરેકટર જનરલ (વાઇલ્ડ લાઇફ) સૌમિત્ર દાસગુપ્તા, કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણનાં સભ્યસચિવ સત્યપ્રકાશ યાદવ, ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટીકાદાર જોડાયા હતા.  

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને વન્ય જીવોને પૂરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અને આપવામાં આવી રહેલી ચિકિત્સકીય સારવાર અંગે પૂછપરછ કરી હતી. તેઓ ઇન્ડિયન અને એક્ઝોટિક એવિયરી નિહાળી પ્રભાવિત થયા હતા. તેમજ હાલમાં જંગલ સફારીના વિસ્તરણના ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.

તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોંધ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પર્યાવરણ મંત્રાલય વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયાસરત છે. કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણકારી, શિક્ષા અને વન્યજીવોના સંરક્ષણ માટે દેશમાં સારા પ્રાણીસંગ્રહાલય વિકસિત થવા જોઈએ. બે દિવસનો રાષ્ટ્રીય સેમીનાર અહીં એ ઉદ્દેશમાં વિકાસ અને સારા પ્રયાસો અને અનુભવોના આદાન પ્રદાન માટે કરવામાં આવ્યો છે.