Site icon Revoi.in

VGGS-2024: ગાંધીનગરમાં છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના જીવંત શિલ્પોત્સવનું કરાયુ આયોજન

Social Share

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ : VGGS-2024ના ભાગરૂપે કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ દ્વારા ગાંધીનગર ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘જીવંત શિલ્પ’ સિમ્પોઝીયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય જાગૃતિ, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ નક્કી કરવામાં આવી છે.

સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ  દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’-શિલ્પોત્સવનું તા.12 જાન્યુઆરી-2024 સુધી આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ, ઉભરતા શિલ્પકારો, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારોને તેમની કળા અને પ્રતિભા દર્શાવવા મંચ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ (સાપ્તી) દ્વારા ગુજરાતના શિલ્પકળાની જાળવણીના સતત પ્રયાસોના ભાગરૂપે, પથ્થર કળા અને શિલ્પોની સદીઓ જુની પરંપરા જીવંત રાખવા  આરાસુરી માં અંબાજી દેવસ્થાન ખાતેના સાપ્તી અંબાજી કેન્દ્ર પર શિલ્પકળા માટેની અનોખી શ્રુંખલા “શિલ્પોત્સવ” હેઠળ રાષ્ટ્રીય કક્ષાના 04 અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 01 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં ભાઈજીપુરા ચોકડી નજીક, પીડીપીયુ રોડ, રાયસણ ખાતે સવારે 10.00 થી  સાંજના 6.00 કલાક સુધી આયોજિત આ શિલ્પોત્સવ રાજ્યની કલા ચાહક વર્ગ અને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે જેનો મહતમ લાભ લેવા સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ દ્વારા અનુરોધ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યના પથ્થરકળા ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરી શિલ્પકામના મૂલ્યવાન વારસાને આગળ ધપાવવા વર્ષ 2003ની ગુજરાત ખનીજ નીતિ હેઠળ વર્ષ 2009 માં કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સાધનોથી સુસજ્જ સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)ની અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે સ્થાપના કરવામાં આવેલ. ઉત્તર ગુજરાતમાં સાપ્તી-અંબાજી ખાતે માર્બલ(આરસ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સાપ્તી-ધ્રાંગધ્રા ખાતે સેન્ડસ્ટોન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.