- નેવી ચીફના વાઈસ એડમિરલ તરીકે હરિ કુમાર
- આજ રોજ સંભાળશે પદ
- એડમિરલ કરમબીર સિંહની લેશે જગ્યા
દિલ્હી :વાઈસ એડમિરલ હરિ કુમાર આજે એડમિરલ કરમબીર સિંહના સ્થાને નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટરના ભાગરૂપે વાઈસ એડમિરલ આર હરિ કુમારે થિયેટર કમાન્ડ સ્ટ્રક્ચર્સના મૂળભૂત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 12 એપ્રિલ 1962ના રોજ જન્મેલા વાઇસ એડમિરલ આર હરિ કુમારને જાન્યુઆરી 1983માં ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. હરિ કુમારે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂંકોમાં સેવા આપી છે. વાઇસ એડમિરલ આર. હરિ કુમારના ‘સી કમાન્ડ’માં આઈએનએસ નિશંક, મિસાઈલ કાર્વેટ, આઈએનએસ કોરા અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ રણવીરનો સમાવેશ થાય છે.
તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિરાટનું પણ કમાન્ડ કર્યું છે. કુમારે આ વર્ષે ફેબ્રુઆરીમાં નૌકાદળના જમણા હાથ તરીકે ઓળખાતા મુંબઈ સ્થિત WNCની બાગડોર સંભાળી હતી. વાઇસ એડમિરલ આર હરિ કુમારે નેવલ વોર કોલેજ, યુએસ, આર્મી વોર કોલેજ, મહુ અને રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝ યુકેમાંથી અભ્યાસક્રમો કર્યા છે. સોમવારે વાઇસ એડમિરલ આર હરિ કુમારે મુંબઈમાં આયોજિત એક સમારોહમાં વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહને પશ્ચિમી નૌકા કમાન્ડનો હવાલો સોંપ્યો હતો. વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ નેવીના બે ઓપરેશનલ કમાન્ડનું નેતૃત્વ કરવાનું ગૌરવ ધરાવે છે. પશ્ચિમી નૌકા કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે તેમની નિમણૂક પહેલા, તેઓ પૂર્વીય નૌકા કમાન્ડના વડા હતા.
આ વર્ષની શરૂઆતમાં વાઈસ એડમિરલ આર હરિ કુમારે પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.તેઓ વાઇસ એડમિરલ અજીત કુમારનું સ્થાન લેશે, જેઓ જાન્યુઆરી 2019 થી આ મહત્વપૂર્ણ કમાન્ડનો હવાલો સંભાળી રહ્યા છે. વાઈસ એડમિરલ અજીત કુમાર નૌકાદળમાં 40 વર્ષની વિશિષ્ટ કારકિર્દી બાદ નિવૃત્ત થયા.