Site icon Revoi.in

આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનો લટાર મારતો વિડિયો થયો વાયરલ

Social Share

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાના કારણે સિંહના રહેઠાણ એવા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભલે તારાજી સર્જાઈ હોય પણ એશિયાટિક સિંહને  કોઈ નુકસાન ના થયાનો વનવિભાગ તરફથી બુધવારે જ દાવો કરાયો હતો. વનવિભાગના દાવા બાદ હવે એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનું એક ટોળું કોઝ-વે પર વહેતા પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે.

રાજ્ય સરકારના સચિવ રાજીવ ગુપ્તાએ આંકોલવાડી ગીરમાં વિહરતા 10 સિંહને દુર્લભ ગણાતો આ વીડિયો ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે, તાઉ-તે વાવાઝોડાની આફત બાદ ગીરમાં સિંહ સલામત છે. ફિલ્ટ સ્ટાફ સિંહ પર નજર રાખી રહ્યો છે. હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે તે ગીર જંગલના આકોલવાડી ગીરનો છે. જેમાં 10 જેટલા સિંહો એક સાથે નજરે પડે છે.

તાઉતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, ત્યારે પુલ ઉપરથી પાણી વહેતું જાય છે અને 10 સિંહ તેની મસ્તીમાં પસાર થઈ રહ્યાના દ્રશ્યો વનકર્મીએ કેમેરામાં કેદ કર્યા છે. આ દ્રશ્યો તાઉ-તે વાવાઝોડા બાદ સિંહો સલામત હોવાની વાતની પુષ્ટિ આપી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં લટાર મારતા 10 સિંહનો વિડિયો વાયરલ થયો હતો અને લોકોએ આ વિડિયોને ખૂબ ફોરવર્ડ કર્યો હતો.

વન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, વાવાઝોડા પહેલા જ સિંહ સલામત જગ્યાએ પહોંચી ગયા હતા.  ભાવનગરના મહુવા. અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ઊના સહિતના વિસ્તારોમાં સિંહનો વસવાટ છે. ઉપરાંત શૈત્રુંજી નદીની કોતરોમાં પણ સિંહનો વસવાટ રહેતો હોય છે. વાવાઝોડાને કારણે વરસાદ પડતા શૈત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ ધાતરવાડી નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું. આવી સ્થિતિમાં પણ સિંહ સલામત રહ્યા છે. તેથી વન વિભાગે રાહત અનુભવી હતી.

Exit mobile version