Site icon Revoi.in

રાજકોટમાં ભાજપના અગ્રણીના ભત્રીજાનો જાહેરમાં ફાયરિંગ કરતો વિડિયો વાયરલ થતાં પોલીસ તપાસ

Social Share

રાજકોટ:  શહેર ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક આતંક ફેલાવાની ઘટનાઓ બની રહી છે.  છેલ્લા 48 કલાકમાં રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લુખ્ખા તત્વોના આતંકના બે બનાવો બન્યા હતા. જેમાં તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં તલવાર તેમજ બેઝબોલના ધોકા સાથે આતંક મચાવનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે બીજી તરફ રાજકોટમાં ખુદ ભાજપ આગેવાનના ભત્રીજા દ્વારા ખુલ્લેઆમ ફાયરિંગ) કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સોશ્યલ મીડિયામાં ફાયરિંગનો વિડિયો વાયરલ થતાં પોલીસે ભાજપ આગેવાનના ભત્રીજાની શોધખોળ શરૂ કરી છે. જોકે, હજુ સુધી ભાજપ આગેવાનના ભત્રીજા સુધી પોલીસ પહોંચી શકી નથી. સતત આવી ઘટનાઓ સામે આવી રહી હોવાથી હાલ એવો ઘાટ ઘડાયો છે. કે, જાણે રાજકોટ શહેર પોલીસની ધાક ધીમે ધીમે ઓસરી રહી છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટેલ ધ વિલેજ પાસે ફોર્ચ્યુનર જેવી દેખાતી કાર પાસે ઊભા રહી એક યુવક ફાયરિંગ કરતો હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં હવામાં ફાયરિંગ કરનાર શખસ રમેશ ખીમાણીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ રમેશ ખીમાણીયા વાજડી ગામનો રહેવાસી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધે ક્રિષ્ન સોસાયટીમાં ભૂમાફિયાઓનો આતંક સામે આવ્યો હતો. ભૂમાફિયાઓ ના આતંકના કારણે પાટીદાર કારખાનેદાર અવિનાશ ધુલેશીયાનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું હતું. સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે. (file photo)