Site icon Revoi.in

પાદરાના મુજપુરના ગ્રામજનોએ મહિસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડીને પૂજા-અર્ચના કરી

Social Share

વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં ભક્તો દ્વારા મહિસાગર નદીને 1001 ફૂટ લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. ભક્તો હાથમાં ચૂંદડી પકડીને એક નદીના એક પટથી બીજા પટ સુધી વહાણમાં જઈ માતાજીને ચૂંદડી અર્પણ કરી હતી. આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

ભારતીય સંસ્કૃતિમાં નદીને લોકમાતા ગણવામાં આવી છે. ત્યારે લોકો નદીના નીરની પૂજા કરતા હોય છે. ત્યારે મહીસાગર નદી ખાતે ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં મહીસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડવામાં આવી છે. મુજપુર ગામે આ કાર્યક્રમ યોજાયો હતો. પારંપરિક રીતે દર વર્ષે  આવો કાર્યક્રમ યોજાય છે. મોટી સંખ્યામાં લોકોએ પૂજા કર્યા બાદ મહીસાગર નદીને ચૂંદડી ઓઢાડી હતી. નવરાત્રિ દરમિયાન  મુજપુર ગામે મહીસાગર માતાજીને ચૂંદડી ઓઢાળવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં ગ્રામજનો નદીના એક પટમાંથી બીજા પટ સુધી ચૂંદડી લઈને માતાજીને ઓઢાડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુજપુર ગામમાં આ ધાર્મિક કાર્યક્રમ દર વખતે યોજવામાં આવે છે. ભક્તો મહીસાગર માતાજીના નામનું સ્મરણ કરી તેમજ તેમની સ્તુતિનું ગાન કરતા કરતા હાથમાં ચુંદડી પકડીને એક પટ થી બીજા પટ સુધી પહોચ્યાં હતાં. જ્યારે નદીમાં સતત ફૂલો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. માતાજીની ચૂંદડી અર્પણ કર્યા બાદ મહિસાગર માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અહીં માતાજીને ચૂંદડી અર્પણ કરવાનો અનેરો મહિમા રહેલો છે. માંઈ ભક્તો પોતાના કુળદેવી મંદિરે તેમજ નર્મદા અને મહિસાગર નદીને માતાજીનું સ્વરૂપ સમજીને ચૂંદડી અર્પણ કરતા હોય છે.

 

Exit mobile version