નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠન ‘ઈકબાલ મંચ’ના પ્રવક્તા ઉસ્માન હાદીના મોત બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. આ ગંભીર પરિસ્થિતિ પર જાણીતી લેખિકા તસલીમા નસરીને આકરી પ્રતિક્રિયા આપી છે. નસરીને સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશની સરખામણી ‘જેહાદીસ્તાન’ સાથે કરતા લખ્યું છે કે, દેશમાં જે થઈ રહ્યું છે તે જરાય સામાન્ય નથી, કટ્ટરપંથીઓ આખા દેશને રાખમાં ફેરવી રહ્યા છે.
નસરીને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, “એક જેહાદીના મોત પર હજારો જેહાદીઓ આખા બાંગ્લાદેશમાં ઉપદ્રવ મચાવી રહ્યા છે. જે સામે આવે છે તેને તોડી રહ્યા છે અને આગને હવાલે કરી રહ્યા છે. એક હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને જેહાદીઓએ ઝાડ પર લટકાવીને સળગાવી દીધો, પણ કોઈના હાથ કાંપ્યા નહીં. આ જ જેહાદીસ્તાનનો અસલી ચહેરો છે.”
ઉસ્માન હાદી ‘ઈકબાલ મંચ’નો મુખ્ય પ્રવક્તા હતો અને જુલાઈ 2024માં થયેલા તોફાનોમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે શેખ હસીનાની સત્તા છીનવાઈ ગઈ હતી. હાદી આગામી ચૂંટણીમાં ઢાકા-8 બેઠક પરથી ઉમેદવારી કરવાનો હતો. સાત દિવસ પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેને ગોળી મારી હતી. સિંગાપોરમાં સારવાર લીધા બાદ ગુરુવારે તેનું મોત નીપજ્યું હતું.

