Site icon Revoi.in

મણિપુરમાં ફરી ભડકી હિંસા,બે જૂથો વચ્ચે થયો ગોળીબાર,ઘરો અને શાળાઓ સળગાવી

Social Share

ઇમ્ફાલ:  મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બિષ્ણુપુર જિલ્લામાં શનિવારે મોડી સાંજે બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. મહિલાઓએ રસ્તા રોક્યા અને ટાયરો સળગાવી દીધા. મીડિયા અહેવાલો અનુસાર કુકી સમુદાયના સોથી વધુ લોકોએ બિષ્ણુપુર જિલ્લાના ટ્રોબુંગ ગ્રામ પંચાયતમાં મેઇતી સમુદાયના કેટલાક ઘરો અને એક શાળાને સળગાવી દીધી હતી. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કુમ્બીથી બીજેપી ધારાસભ્ય સનાસમ પ્રેમચંદ્ર સિંહે કહ્યું કે, આ બધા ચુરાચંદપુર જિલ્લામાંથી આવ્યા હતા અને અચાનક હુમલો કર્યો.

મણિપુરમાં 80 દિવસથી વધુ સમયથી વંશીય હિંસા ચાલી રહી છે, જેમાં 150થી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં, કુકી સમુદાયની બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસે શનિવારે મહિલાઓના કપડાં ઉતારવા અને તેમના પર સામૂહિક બળાત્કાર કરવાના કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી એક 19 વર્ષનો છે અને બીજો કિશોર છે. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ છની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 20 જુલાઈએ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

એક અલગ ઘટનામાં એક આદિવાસી મહિલાએ સૈકુલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે કે 4 મેના રોજ, તેની 21 વર્ષની પુત્રી અને 24 વર્ષીય મિત્ર સાથે, એક ટોળું તેના ઘરમાં ઘુસી ગયું હતું અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેની નિર્દયતાથી હત્યા કરી હતી.

મણિપુરમાં હિંસા 3 મેના રોજ રાજ્યની રાજધાની ઈમ્ફાલથી લગભગ 63 કિમી દક્ષિણે આવેલા ચુરાચંદપુર જિલ્લામાં શરૂ થઈ હતી. આ જિલ્લામાં કુકી આદિવાસીઓ વધુ છે. 28 એપ્રિલે ધી ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે સરકારી જમીન સર્વેક્ષણના વિરોધમાં ચુરાચંદપુરમાં આઠ કલાકના બંધની જાહેરાત કરી હતી. થોડી જ વારમાં આ બંધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે જ રાત્રે બદમાશોએ તુઇબોંગ વિસ્તારમાં વન વિભાગની ઓફિસને આગ ચાંપી દીધી હતી. 27-28 એપ્રિલની હિંસામાં મુખ્યત્વે પોલીસ અને કુકી આદિવાસીઓ સામસામે હતા.